મિડલ ઇસ્ટમાં શાંતિમંત્રણા ફરી ખોરંભેઃ અમેરિકા-ઇરાનના સામસામા હુમલા

Tuesday 02nd June 2026 06:53 EDT
 
 

વોશિંગ્ટન, તહેરાનઃ પશ્ચિમ એશિયામાં અમેરિકા તેમજ ઈરાન વચ્ચે શાંતિની વાતો વચ્ચે ફરી એકવાર તંગદિલી વધી છે. બંને દેશો એકબીજા પર દબાણ કરીને તેમનું ધાર્યું કરાવવા માગે છે. અમેરિકાએ પરમાણુ મુદ્દે ઈરાનનું નાક દબાવવાની કોશિષ કરી છે. ઈરાન પરમાણુ મામલે તેમજ હોર્મુઝને સ્વતંત્ર કરવાનાં મામલે નમતું જોખવા તૈયાર નથી. આમ બેઉ બળીયા બાથે વળગતા સ્થિતિ વણસી છે.
અમેરિકાએ ઈરાનનાં રડાર અને ડ્રોન મથકો પર ભીષણ બોમ્બમારો કર્યો છે. અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાનનાં ગેરુક શહેર અને કેશમ દ્વિપ પર હવાઈ હુમલા કરાયા છે. જેમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરાયો છે. ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્ટેશનનો નાશ કરાયો છે.
બીજી તરફ ઈરાને હુમલા સામે વળતા જવાબમાં અમેરિકાનાં કુવૈત ખાતેનાં લશ્કરી મથક પર ડ્રોન તેમજ મિસાઈલ્સ હુમલા કર્યા છે. અમેરિકાની સેનાએ કહ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકાનું એક મોંઘુંદાટ ડ્રોન તોડી પાડવામાં આવ્યા પછી ઈરાન પર ભીષણ હુમલો કરાયો હતો.
ઇરાને શાંતિમંત્રણા રોકી
ઇરાને લેબનોન પર ઇઝરાયેલના સૈન્ય હુમલાનો વિરોધ કરીને અમેરિકા સાથેની પરોક્ષ શાંતિમંત્રણા તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે. ઇરાનની ન્યૂઝ એજન્સી તસનીમના જણાવ્યા મુજબ લેબનોન પર ઇઝરાયેલી હુમલા જારી રહેતાં અને યુદ્ધવિરામની પુર્વશરતોના ઉલ્લંઘનને પગલે ઇરાની મંત્રણા ટીમે મધ્યસ્થીઓના માધ્યમથી થતી તમામ વાતચીત અને સંદેશાઓનું આદાનપ્રદાન રોકી દીધું છે. ઇરાનની સ્પષ્ટ માગ છે કે ગાઝા અને લેબનોનમાં ઇઝરાયેલના હુમલા તત્કાળ બંધ થાય અને લેબનોનમાંથી ઇઝરાયેલી દળોની સંપૂર્ણ વાપસી થાય. ઇ રાનના એજન્ડામાં હોમુંઝની ખાડી સંપૂર્ણ બંધ કરવી તેમજ રાતા સમુદ્રના દક્ષિણ છેડે સ્થિત બાબ અલ-મંડેબ સહિત અન્ય મોરચા સક્રિય કરવાના વિકલ્પો પણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter