નવી દિલ્હી: પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ પગલાં લેવાના જે નિવેદનો આપ્યા છે તેના પગલે બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ દરમિયાન સોમવારે મૂડીઝ રેટિંગ્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ વધશે તો ભારતની આર્થિક સ્થિતિ પર તો ઝાઝી અસર નહીં પડે પરંતુ પાકિસ્તાનના અર્થતંત્રના ભૂંડા હાલ થઈ જશે કેમ કે તે પહેલેથી આર્થિક સંકટોથી ઘેરાયેલું છે.
ભારત સાથે સંભવિત યુદ્ધ પાકિસ્તાન માટે મોટો ફટકો હશે કેમ કે યુદ્ધ થાય તો પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણ પર દબાણ આવી શકે છે. ‘ભારત-પાક. વચ્ચે વધતા તણાવથી પાક.ની વૃદ્ધિ પર અસર’ શીર્ષક સાથેના રિપોર્ટમાં મૂડીઝે કહ્યું છે કે તેને ભારતની આર્થિક પ્રવૃત્તિઓમાં કોઈ મોટા અવરોધ સર્જાવાના આસાર નથી કેમ કે પાક. સાથે તેના આર્થિક સંબંધો નગણ્ય છે. વર્ષ 2024માં ભારતની કુલ નિકાસમાં પાક.નો હિસ્સો 0.50 ટકાથી પણ ઓછો હતો.