મેઇડ ઇન ચાઇના ખંધાઇઃ ભારતને ઘેરવા પડોશી દેશોનો ઉપયોગ

Wednesday 24th June 2020 07:02 EDT
 
 

ભારત-ચીન સંઘર્ષ વચ્ચે સમજવું જરૂરી છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગે કેવી રીતે ભારતે ઘેરવા માટે પડોશી દેશોનો ઉપયોગ કર્યો છે. ભારતના પડોશી દેશોને આર્થિક મદદ કરીને ડરાવી-ધમકાવીને ચીને એ દેશોમાં ચીની લશ્કરી મથકો સ્થાપી દીધા. પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, નેપાળ વગેરેને કરજમાં ડૂબાડીને ચીને તેનો ઉપયોગ ભારતની વિરુદ્ધમાં કર્યો છે.

પાકિસ્તાનને ‘સેવક’ બનાવ્યું

બલુચિસ્તાન પ્રાંતમાં આવેલા ગ્વાદર બંદરમાં સીપીઈસી પ્રોજેક્ટ અંતર્ગંત ચીને પગપેસારો કર્યો હતો. એ પ્રોજેક્ટમાં પાકિસ્તાનને કંઈ લાભ થતો નથી એવું ઈમરાન ખાને શરૂઆતમાં કહ્યું હતું પરંતુ હવે પાકિસ્તાન એમાં કંઈ કરી શકે તેમ નથી. આ વિસ્તાર ભારતની સરહદથી ઘણો નજીક થતો હોવાથી તેનો વ્યૂહાત્મક ઉપયોગ ચીન કરે છે. આ બંદરેથી અરબ સાગરમાં ચીનની નજર રહે છે. ગ્વાદર બંદર માટે ચીને પાકિસ્તાનને ૧૦ અબજ ડોલરનું ફંડ આપીને કરજમાં ડૂબાડી દીધું છે. કરજમાં ગરકાવ થયેલા પાક. પાસે હવે ચીનની હામાં હા ભણવા સિવાય છૂટકો નથી

માલદીવમાં ૧૬ ટાપુ પર લીઝથી કબજો

માલદીવમાં એરપોર્ટનું નિર્માણ કરવા ચીની કંપનીઓએ સરકાર સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. ૮૩ કરોડ ડોલરના ખર્ચે ચીની કંપનીઓએ એરપોર્ટ બનાવવાનું કામ હાથમાં લીધું હતું. એમાં પાટનગરમાં બનનાર એરપોર્ટ પણ સામેલ છે. ૨૦૧૬માં ચીની કંપનીઓએ માલદીવ્સના ટાપુઓનો વિકાસ કરવાના નામે ૧૬ ટાપુ લીઝ પર લીધા હતા. એ ટાપુમાં કબજો કરીને ચીને હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં નજર રાખવાનું શરૂ કર્યું હતું.

શ્રીલંકામાં હંબનટોટા બંદર હડપ કર્યું

શ્રીલંકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના બહાને ચીને શ્રીલંકાનું હંબનટોટા બંદર લીઝ પર લીધું. અબજો ડોલરનું રોકાણ કરીને ચીની કંપનીએ બંદર પર આધિપત્ય જમાવી લીધું. બંદર આસપાસની ૧૫૦૦ એકર જમીન પણ ચીને પચાવી પાડી. શ્રીલંકાના ઉત્તરી શહેર જાફનામાં ઘર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાવીને ચીને એ વિસ્તારમાં કબજો કર્યો. આ વિસ્તારો ભારતની ખૂબ નજીક ભવિષ્યમાં ખતરો બની શકે છે. ભારત પર નજર રાખવા ચીન હંબનટોટા બંદરનો ઉપયોગ કરે છે.

નેપાળમાં આર્થિક-રાજકીય ચંચુપાત

નેપાળ ભારતનું નૈસર્ગિક મિત્ર હતું. ઘણી બધી રીતે બંને દેશો વચ્ચે સામ્ય હતું. પરંતુ ચીને નેપાળમાં હોસ્પિટલો, કોલેજો, એરપોર્ટ, રસ્તા બાંધવાનું કામ શરૂ કરાવીને નેપાળમાં આર્થિક-રાજકીય દખલગીરી શરૂ કરી છે. નેપાળને ભારત વિરુદ્ધ ભડકાવીને નવો રાજકીય નકશો પણ ચીનના ઈશારે જ તૈયાર કરાવ્યો છે. નેપાળને આર્થિક મદદ કરીને ચીને પંજો ફેલાવવાનું શરૂ કર્યું છે. નેપાળ-ભારતની સરહદે રેલવે ટ્રેકનું નિર્માણ ચીની કંપનીઓ કરી રહી છે. એ બહાને ચીને સરહદે ધોંસ વધારી હતી.

મ્યાનમારના બે બંદરો પર નજર

મ્યાનમારના રખાઈન પ્રાંતમાં ક્યાયુકપ્યુ શહેરના તટમાં ચીને પગપેસારો કર્યો છે. ચીને પાણીમાં એક બંદર બનાવવાની યોજના શરૂ કરી છે. એ જ વિસ્તારમાં હાઈ-સ્પીડ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરીને મ્યાનમારને કરજમાં ડૂબાડ્યું છે. ચીની કંપનીઓએ મ્યાનમારમાં રસ્તા બનાવવાનું પણ કામ આદર્યું છે. ચીન-મ્યાનમાર આર્થિક કોરિડોરના નામે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરી ચીને મ્યાનમાર ઉપર મજબૂત સકંજો કસ્યો છે. જ્યારે દુનિયાભરમાં રોહિંગ્યા મુદ્દે મ્યાનમારની ટીકા થતી હતી ત્યારે ચીને તેનો સહકાર આપીને મ્યાનમારને કૂટનીતિથી પણ પોતાના વશમાં કર્યું હતું.

બાંગ્લાદેશના પાયરા બંદર પર અડીંગો

બાંગ્લાદેશ સાથે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ અંતર્ગંત ચીની કંપનીઓએ ૨૦૧૬માં સોદો કર્યો હતો. એમાં પાયરા બંદરના વિકાસની વાત હતી. એ બંદરના વિકાસના નામે ચીની કંપનીઓએ ૬૦ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આટલું રોકાણ કરીને બાંગ્લાદેશમાં ચીને એ બંદરનો કબજો લઈ લીધો છે. એ બહાને ચીને વધુ એક ભારતના પાડોશી દેશના બંદરને કબજે કરીને ભારતને ભીંસમાં રાખવાનો તખ્તો તૈયાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter