મેટરનિટી વોર્ડમાં બાળકીઓ બદલાઈઃ હવે શ્રેષ્ઠ મિત્રો બની ગઈ

Friday 24th September 2021 15:19 EDT
 
 

સિસિલી (ઈટલી)ઃ બમ્બૈયા ફિલ્મોમાં કુંભમેળામાં વિખૂટા પડેલા ભાઇભાંડુની ઘણી વાર્તા આવી ગઈ છે પરંતુ, જન્મ સમયે બદલાઈ ગયેલી બે બાળકીઓ મોટી થઈને હવે શ્રેષ્ઠ મિત્રો બની ગઈ છે. બે ૨૩ વર્ષીય સિસિલિયન યુવતીઓ કેટરિના અલાગ્ના અને મેલિસ્સા ફોડેરાનો ઉછેર તેમના પરિવારો દ્વારા બે બહેનો તરીકે કરાયો હતો અને હવે તેમની રસપ્રદ જીવનકથા પરથી પુસ્તક પણ લખાયું છે અને ફિલ્મ પણ બની છે.
કેટરિના અલાગ્ના અને મેલિસ્સા ફોડેરાનો જન્મ સિસિલિયન ફિશિંગ પોર્ટ માઝારા ડેલ વાલ્લોની હોસ્પિટલમાં થયો હતો, જ્યાં તેમની અદલાબદલી થઇ ગઈ હતી અને તેમની પાલક માતાઓનાં હાથે ઉછેર થયો હતો. આ ભૂલની જાણ થઈ ત્યારે ત્રણ વર્ષની વયે તેમને ફરીથી બદલી લેવાયાં હતા. જોકે તેમના બાયોલોજિકલ પરિવારોએ તેમનો એક સાથે ઉછેર કરવા માટે એક સમયે એક જ ઘરમાં રહેવાં નિર્ણય કર્યો હતો.
‘Sisters Forever’ પુસ્તક અને ફિલ્મના લેખક માઉરો કેપોરિક્કોના જણાવ્યા અનુસાર ‘આ છોકરીઓ વાસ્તવમાં ચાર પેરન્ટસ અને આઠ ગ્રાન્ડપેરન્ટ્સ સાથે ઉછરી હતી અને પ્રયોગ સફળ રહ્યો હતો.’ તેઓ ઘટનાનો ઉલ્લેખ કરતા કહે છે કે ૩૧ ડિસેમ્બર ૧૯૯૮ના દિવસે એક જ હોસ્પિટલમાં માત્ર ૧૫ મિનિટના અંતરે જન્મેલી બે બાળકીઓ નવા વર્ષની ઉજવણીમાં મશગૂલ નર્સીસના હાથે અકસ્માતે બદલાઈ ગઈ. બંને માતાએ શંકા સાથે ફરિયાદ પણ કરી કે તેમણે હોસ્પિટલને આપેલાં વસ્ત્રો બાળકીઓએ નથી પહેરેલાં. જોકે ડ્યુટી પરની નર્સનો જવાબ હતો કે વસ્ત્રો બદલાઈ ગયા હશે, બાળકીઓ નહિ.
ત્રણ વર્ષ પછી એક માતા મેરિનેલ્લા અલાગ્ના તેની દીકરી મેલિસ્સાને લેવાં માટે નર્સરી સ્કૂલે પહોંચી ત્યારે તેને અન્ય છોકરી કેટરિના અને પોતાની અન્ય બે દીકરીઓ વચ્ચે આશ્ચર્યકારક સમાનતા નજરે પડ્યું હતું. કેટરિનાની માતા ગેસિલ્લા ફોડેરાને તેઓ એક જ મેટરનિટી વોર્ડમાં હોવાના કારણે અલાગ્ના ઓળખી ગઈ હતી. ૧૫ દિવસ પછી તેમણે ડીએનએ પરીક્ષણો કરાવ્યાં અને પરિણામો અકલ્પનીય હતાં.
શરૂઆતમાં તો બન્ને માતા સ્વાભાવિક રીતે જ એકબીજાને નફરત કરવા લાગી હતી અને બાળકીઓને બદલવાની વિરુદ્ધ હતી. તેઓ એકબીજાની છોકરીઓ ચોરી જનારી અજાણી વ્યક્તિઓ જેવાં લાગતાં હતાં. ત્રણ વર્ષ સુધી જેને પોતાની દીકરી જાણીને ઉછેરી હોય તેને અળગી કરવાનો જીવ ન ચાલે તેમ છતાં બંને માતાએ મેલિસ્સા અને કેટરિના વધુ સમય સાથે રહે તેવી વ્યવસ્થા કરી અને ટુંક સમયમાં બંને પેરન્ટ્સ પણ સારાં મિત્રો બની ગયા અને બંને પરિવારોએ એક જ ઘરમાં સાથે દિવસો વીતાવ્યા.
આ પછી નિષ્ણાતોએ ૨૦૦૧માં બંને પરિવારોને છ મહિના સુધી નહિ મળવાની સલાહ આપી જેથી, બંને છોકરીઓ તેમના સાચા-જૈવિક માતાપિતા સાથે બરાબર હળીમળી શકે. બંને માતાઓ રોજ ફોન પર વાતો કરતી અને પોતાની દીકરીઓ વિશે જાણકારી મેળવતી રહેતી હતી. જોકે, તેમનાથી રહેવાયું નહિ એટલે ત્રણ મહિના પછી બધાં ફરીથી મળ્યાં અને ફરી અલગ નહિ થવાની કસમો પણ ખાધી.
છોકરીઓના માતાપિતા અને ગ્રાન્ડપેરન્ટ્સ પણ પાક્કા મિત્રો બની ગયા, જન્મદિનોની સાથે ઉજવણીઓ કરાતી હતી અને બે છોકરીઓ શાળામાં પણ એકબીજાની સાથે જ બેસતી હતી.
મેલિસ્સા અને કેટરિના આઠ વર્ષના થયાં ત્યારે તેમને જન્મસમયે થઇ ગયેલી અદલાબદલીની જાણકારી અપાઈ. જોકે તેમને તો આ બધી રમત જ લાગતી હતી કારણ કે ત્રણ વર્ષની પહેલાંના કોઈ સંસ્મરણો તેમની પાસે ન હતાં. આજે બંને પાસે બે-બે માતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter