મોંગોલિયાને મોદી ફળ્યાઃ ભારત ૧ બિલિયન ડોલરની સહાય આપશે

Wednesday 20th May 2015 06:49 EDT
 
 

ઉલાન-બાટોર (મોંગોલિયા)ઃ ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ચીનથી મોંગોલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોંગોલિયાની આર્થિક ક્ષમતા અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે એક બિલિયન ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, હવાઈ સેવાઓ, પશુપાલન અને ડેરીઉદ્યોગ, મેડિસિન અને હોમિયોપથી, રિન્યુએબલ એનર્જી, સરહદી સુરક્ષા, સાઇબર સિક્યુરિટી જેવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ૧૪ કરાર કરાયા હતા.
રવિવારે મોદીએ ૨૬ મીટર ઊંચી બુદ્ધની પ્રતિમા ધરાવતા જનરેસગ મઠની મુલાકાત લીધી હતી. બાદમાં મોંગોલિયાના વડા પ્રધાન ચાઇમ્ડ સાઇખાનબાઇલગ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. ૬૦ વર્ષમાં મોંગોલિયાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન મોદીએ દેશની સંસદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે હું તમારા માટે ૧૨૫ કરોડ ભારતીયોની શુભેચ્છા લાવ્યો છું. મોદીનો મોંગોલિયા પ્રવાસ અનેક રીતે નોંધનીય હતો. તેઓ મોંગોલિયાની મુલાકાતે પહોંચેલા પહેલા ભારતીય વડા પ્રધાન હતું. તેમના સંબોધન માટે રવિવારે રજા હોવા છતાં સંસદનું વિશેષ સત્ર યોજાયું હતું. આ ઉપરાંત મોંગોલિયાની સંસદને સંબોધન કરનાર તેઓ પ્રથમ વિદેશી નેતા બન્યા હતા. રવિવારે સાંજે રાષ્ટ્રપતિ દ્વારા મોદીના સન્માનમાં ભવ્ય ડિનરનું આયોજન કરાયું હતું.
મોંગોલિયાના સૌથી મોટા સાંસ્કૃતિક મહોત્સવ નાદમ્ ફેસ્ટિવલમાં મોદીએ વડા પ્રધાન ચાઇમ્ડ સાઇખાનબાઇલગ સાથે તીરંદાજી અને ઘોડેસવારીની મઝા માણી હતી અને કુસ્તીનો આનંદ ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, મોંગોલિયાનાં લોકોને સૂર્યનમસ્કાર અને યોગ કરતાં જોઈ હું ઘણો પ્રભાવિત થયો છું. હું ૨૧મી જૂને વિશ્વ યોગ નિમિત્તે સામૂહિક યોગ કરી દુનિયાને યોગના ફાયદા વિશે બતાવવા અપીલ કરું છું.
અમૂલ્ય હસ્તપ્રતની ભેટ
વડા પ્રધાન નરેદ્ર મોદીએ મોંગોલ રાષ્ટ્રપતિને રામપુરની રામપુર રઝા લાઇબ્રેરીમાં ઉપલબ્ધ મોંગોલ ઇતિહાસ પરની ૧૩મી સદીની હસ્તપ્રત ભેટમાં આપી હતી. આ હસ્તપ્રતમાં ૮૦ જેટલાં વર્ણન છે. બીજી તરફ મોંગોલિયા દ્વારા ભારતીય વડા પ્રધાનને ઘોડો ભેટમાં આપવામાં આવ્યો હતો.
ભારતને સમર્થન
મોંગોલિયાએ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને સમર્થન આપ્યું છે. બીજી બાજુ, સિક્યુરિટી કાઉન્સિલના વર્તમાન માળખામાં ૨૦૨૧-૨૨માં અસ્થાયી સભ્ય બનાવવાના દાવાને પણ મોંગોલિયાએ ટેકો આપ્યો છે. ભારતે ૨૦૨૩-૨૪ માટે મોંગોલિયાના દાવાને સમર્થન આપ્યું હતું. મોંગોલિયામાં રાત્રિરોકાણ બાદ મોદી સોમવારે સાઉથ કોરિયા જવા રવાના થયા હતા.
૨૫૦૦ વર્ષ જૂનો સંબંધ
ભારતનો મોંગોલિયા સાથેનો સંબંધ ૨૫૦૦ વર્ષ જૂનો છે, પરંતુ રાજકીય સંબંધો ૧૯૫૫થી શરૂ થયા. જોકે, મોંગોલિયાનું નામ લેતા જ સૌથી પહેલા ચંગેઝ ખાનનું નામ યાદ આવે છે. અહીંની વસતી ૨૮ લાખ છે. અહીં માત્ર ૨૦૦ ભારતીય રહે છે. તેને ઘોડાઓનો દેશ પણ કહેવાય છે. આ દેશ ચીન અને રશિયાથી ઘેરાયેલો છે. સાઉથ મોંગોલિયામાં તો હિન્દી ફિલ્મોની લોકપ્રિયતા પણ વધી રહી છે. ‘મહાભારત’ શ્રેણી મંગોલિયન ભાષામાં ડબ કરીને ટીવી પર દર્શાવાઇ હતી. ઉલાન-બાટોર શહેર વિશ્વનું સૌથી ઠંડું પાટનગર છે. જાન્યુઆરીના મહિનામાં અહીંનું તાપમાન માઇનસ ૩૬થી ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અહીં વિશ્વનું નાનું શેરબજાર છે.

ભારત-મોંગોલિયા • ૧૪ કરાર
• વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવી • હવાઈસેવા ક્ષેત્રે ભાગીદારી • પશુપાલન અને ડેરી ક્ષેત્રે સહકાર • અપરાધીઓના પ્રત્યાર્પણ માટે સંધિ • મેડિસિન અને હોમિયોપથી ક્ષેત્રે સહકાર • ૬. સરહદી સુરક્ષા, પોલીસ, સર્વેલન્સમાં સહયોગ • સાંસ્કૃતિક સહકાર વધારવા કરાર • સાઇબર સિક્યુરિટી ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના • રાજદ્વારી બાબતોમાં સહકાર માટે કરાર • વિદેશ મંત્રાલયો વચ્ચે સહયોગ વધારવો • રિન્યુઅલ એનર્જી ક્ષેત્રે સહકાર • નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ વચ્ચે સહકાર • ઇન્ડો-મોંગોલિયા ફ્રેન્ડશિપ સ્કૂલની સ્થાપના • કેન્સરની સારવાર ક્ષેત્રે કરાર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter