મોઝામ્બિકમાં પેટ્રોલ ટેંક ટ્રક સાથે અથડાતાં વિસ્ફોટઃ ૭૩નાં મૃત્યુ

Saturday 19th November 2016 06:31 EST
 
 

ટેટેઃ પશ્ચિમી મોઝામ્બિકમાં પેટ્રોલ લઈ જઈ રહેલા એક ટેન્કર ટ્રકમાં અચનાક વિસ્ફોટ થવાના કારણે ઓછામાં ઓછા ૭૩ લોકોના મોત નીપજ્યાં છે તથા અનેક લોકો ઘાયલ થયા છે. સરકાર દ્વારા જારી એક નિવેદનમાં તાજેતરમાં આ ઘટના અંગે જણાવાયું છે. સરકારી રેડિયો મોઝામ્બિકે ટેટેમાં અધિકારીઓના હવાલે જણાવ્યું કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હવે ૭૩ થઈ ગઈ છે. સરકારે આ અગાઉ ૧૭મી નવેમ્બરે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે માલાવીની નજીક ટેટે પ્રાંતના કાફિરિજેંજ ગામમાં જ્યારે લોકોએ ટ્રકથી પેટ્રોલ લેવાનો પ્રયત્ન કર્યો તો અચાનક આ દુર્ઘટના ઘટી હતી. નિવેદન મુજબ સરકારે જણાવ્યું ૧૧૦ લોકો ઘાયલ થયા છે જેમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. ઘાયલોમાં બાળકોમાં પણ સામેલ છે. હાલ સ્પષ્ટપણે જાણકારી મળી નથી કે આ દુર્ઘટના કેવી રીતે બની અને વિસ્ફોટ કેવી રીતે થયો?

સૂચના મંત્રાલયના નિદેશક જોઆજો માનાસેસે જણાવ્યું કે, અધિકારી એ વાતની માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છે કે આ દુર્ઘટના માટે જવાબદાર વિસ્ફોટ કેવી રીતે થયો અને દુર્ઘટના સમયે પેટ્રોલ ટેંક ટ્રક પેટ્રોલ વેચી રહ્યો હતો કે પછી ત્યાના સ્થાનિકોએ તેને કબજે કરીને લેવા માટે પડાપડી કરી હતી.

એક સ્થાનિક પત્રકારના જણાવ્યાં મુજબ ટ્રક ૧૬મી નવેમ્બરે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને અનેક લોકોએ પેટ્રોલ કાઢવાની કોશિશ કરી જેના કારણે ૧૭મી નવેમ્બર, ગુરુવારે બપોરે તેમાં વિસ્ફોટ થઈ ગયો. નિવેદનમાં કહેવાયું છે કે સરકાર લોકોના મોત ઉપર શોક વ્યક્ત કરે છે તથા તે લોકોની જિંદગી બચાવવા અને પીડિતોના પરિજનોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવી રહી છે. ત્રણ મંત્રી બચાવ કાર્ય પર નજર રાખવા માટે આજે ઘટનાસ્થળ પર પહોંચશે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ મુજબ મોઝામ્બિક દુનિયાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. વર્ષ ૧૯૯૨માં તેના ૧૬ વર્ષના ગૃહયુદ્ધનો અંત આવ્યો હતો અને ત્યારથી લોકો ભયાનક આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. સરકારે સ્થાનિક મુદ્રા મેટિકલના મૂલ્યમાં ડોલરની સરખામણીમાં ઘટાડો આવ્યા બાદ હાલમાં જ પેટ્રોલના ભાવ વધાર્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter