બૈજિંગઃ કોઈ માણસ મોતના મોંમાંથી માંડ માંડ બહાર આવ્યો હોય છતાં પોતાનો મોબાઈલ ફોન પાછો લેવા માટે તે જ સ્થળે પાછા મોતના મોંમાં જવાનું પસંદ કરે ખરો? બહુમતી વર્ગ નનૈયો જ ભણશે, પણ આ ચીની ભાયડાની વાત અલગ છે. ચીનના 27 વર્ષીય યુવકે આવું જ કર્યું છે, અને રસપ્રદ વાત એ છે કે, બીજી વાર પણ એ મોતના મુખમાં સપડાઇ જ ગયો હતો, તેણે નજર સામે મોત જોઇ લીધું હતું, પણ આ નસીબનો બળિયો આ વખતેય હેમખેમ પાછો આવી ગયો છે.
વાત એમ છે કે જાપાનમાં રહીને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો આ યુવક ઓફ-સિઝનમાં દેશના સૌથી ઊંચા શિખર માઉન્ટ ફુજીના પ્રવાસે પહોંચ્યો હતો. જોકે ભારે બરફવર્ષાના કારણે ઉપર જ અટવાઈ ગયો. માઉન્ટ ફુજી આસપાસના વાતાવરણમાં અચાનક આવતા પલ્ટાના કારણે પ્રવાસીઓના ફસાઇ જવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહેતી હોવાથી રેસ્ક્યુ ટીમનું હેલિકોપ્ટર માઉન્ટ ફુજી અને આસપાસના વિસ્તાર ઉપર સતત ચક્કર લગાવ્યા કરે છે કે જેથી સંકટના સમયે ઝડપથી રાહત-બચાવકાર્ય હાથ ધરી શકાય. આ ચીની યુવકને ફસાયેલો જોતાં જ રેસ્ક્યુ ટીમે તેને પણ એરલિફ્ટ કરીને બચાવી લીધો.
આ જ ઘટનાના ચાર દિવસ પછી હેલિકોપ્ટરે ફરી એક યુવકને એરલિફ્ટ કર્યો, જે ખરાબ વાતાવરણના કારણે પર્વત પર જ ફસાઇ ગયો હતો અને જીવ બચાવવા ઝઝૂમી રહ્યો હતો. રેસ્ક્યુ ટીમના સભ્યોએ તેને ઉગારી લીધા પછી પૂછપરછ કરી તો ખબર પડી કે આ તો એ જ ચીની વિદ્યાર્થી છે જેને ચાર દિવસ પહેલાં બચાવી લેવાયો હતો. આશ્ચર્યચકિત રેસ્ક્યુ ટીમે તેને પૂછયું કે પાછો કેમ અહીં પહોંચ્યો હતો? તો વિદ્યાર્થીએ કહ્યું કે, તેનો મોબાઇલ ફોન સહિતનો સામાન સ્થળ પર જ છૂટી ગયો હોવાથી તે લેવા ગયો હતો અને ફરી ફસાઈ ગયો હતો.