મોદીના ઉઝબેકિસ્તાન પ્રવાસની ફળશ્રુતિઃ ભારત યુરેનિયમ મેળવશે, UPI આપશે

Friday 04th September 2026 05:04 EDT
 
 

તાશ્કંદઃ ઉઝબેકિસ્તાનનાં પ્રવાસે ગયેલા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ વચ્ચે રવિવારે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોએ 11 મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. દ્વિપક્ષી સમજૂતી અનુસાર, ભારતને ઉઝબેકિસ્તાન પાસેથી યુરેનિયમ મળશે તો ભારતને ઉઝબેકિસ્તાનને યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) આપશે. મોદીએ કહ્યું હતું કે યુરેનિમય સપ્લાયનો કરાર ભારતની પરમાણુ ઉર્જા યોજનાઓ માટે ઘણો મહત્વનો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીને ઉઝબેકિસ્તાન સરકારે સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા છે.
મોદીએ કહ્યું કે બંને દેશ રક્ષા અને સુરક્ષા ક્ષેત્રે સીધો સહયોગ કરશે. સાથે મળીને શસ્ત્રોનું ઉત્પાદન અને નવી ટેકનિક વિકસાવવામાં આવશે. આતંકવાદ અને ઉગ્રવાદ તેમજ અલગતાવાદને બંને દેશો ગંભીર ખતરો માને છે તેથી ઝીરો ટોલરન્સ નીતિ અપનાવાશે. મંત્રણાના અંતે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સિસ્ટર સિટી અને સિસ્ટર સ્ટેટને લગતા 3 કરારને અંતિમ સ્વરૂપ અપાયું હતું. મોદીએ ઉઝબેક લોકોને યોગના પાઠ અને આસનો પણ શીખવ્યા હતા.
મોદીએ ગુજરાતને યાદ કરતા કહ્યું હતું કે ગુજરાતનું ગિફ્ટ સિટી પણ અભ્યાસ માટે એક આદર્શ મોડેલની જેમ વિકસાવાયું છે. મોદીએ ઉઝબેક પ્રતિનિધિ મંડળને ભારત આવવા આમંત્રણ અપાયું હતું જેથી તેઓ ત્યાં આવીને પ્રોજેક્ટસનું આયોજન, ટેકનિક અને તેને કેવી રીતે કાર્યરત કરવા તેની સમજ મેળવી શકે.
બંને દેશો વચ્ચેનો વેપાર 1 બિલિયન ડોલરને પાર
ઉઝબેક રાષ્ટ્રપતિએ ભારતને એક વિશ્વાસપાત્ર વ્યૂહાત્મક ભાગીદાર દેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર ગયા વર્ષે પહેલીવાર 1 બિલિયન ડોલરને પાર કરી ગયો છે. 2030 સુધીમાં બંને દેશ વચ્ચેનો વેપાર 5 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. બંને દેશો વચ્ચેના સંયુક્ત ઉદ્યોગોમાં સાત ગણો વધારો થયો છે. બંને દેશો વચ્ચે પ્રવાસ સરળ બનાવાયો છે. હાલ ભારત અને ઉઝબેક વચ્ચે દર અઠવાડીયે 14 ફ્લાઈટ્સ ઉડ્ડયન કરે છે.
ગુજરાત-સમરકંદ વચ્ચે ભાગીદારી
ભારતના ગુજરાત અને ઉઝબેકિસ્તાનના સમરકંદ ક્ષેત્ર વચ્ચે પાર્ટનરશિપ સંબંધ સ્થાપિત કરવાની સમજૂતી પર પણ હસ્તાક્ષર થયા છે. જેનાથી બંને ક્ષેત્રો વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંપર્કને વધારવાનો રસ્તો ખુલ્લો થશે. કુલ મળીને, વ્યૂહાત્મક ભાગીદારીનું અપગ્રેડ, યુરેનિયમ અને ક્રિટિકલ મિનરલ્સમાં સહયોગ તેમજ UPI-UZQR કનેક્ટિવિટી ભારત-ઉઝબેકિસ્તાન સંબંધોના ત્રણ સૌથી મહત્ત્વપૂર્ણ આયામ બનીને ઉભર્યા છે. મોદીએ કહ્યું કે અમે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા પરસ્પર સહયોગ વધારીશું, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AI તેમજ જરૂરી દુર્લભ ખનિજો, સ્પેસ અને અણુ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter