મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ પર ચીન ઓળઘોળ

Wednesday 20th May 2015 06:10 EDT
 
 

શિયાન, બૈજિંગ, શાંઘાઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ ઓળઘોળ થઇ ગયું છે. ત્રણ દિવસના ચીન પ્રવાસના પ્રારંભે ભારત અને ચીન વચ્ચે અનેકવિધ ક્ષેત્રોને આવરી લેતા ૧૦ બિલિયન ડોલરના કુલ ૨૪ કરાર થયા છે. જ્યારે પ્રવાસના અંતિમ દિવસે શાંઘાઇમાં યોજાયેલી બિઝનેસ સમિટ દરમિયાન ચીનના ઉદ્યોગપતિઓએ ભારતીય કંપનીઓ સાથે ૨૨ બિલિયન ડોલરના ૨૧ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે વર્ષોથી બન્ને દેશોના સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય અવરોધરૂપ મનાતો સરહદ વિવાદ અદ્ધરતાલ જ રહ્યો છે. વડા પ્રધાન મોદીનો ત્રણ દિવસનો ચીન પ્રવાસ અત્યંત વ્યસ્ત રહ્યો હતો, તેમણે નાના-મોટા ૨૨ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
ભારત-ચીન વચ્ચે ૨૪ કરાર
મોદીના ચીન પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારસંબંધો વધુ મજબૂત બનાવવા ૧૦ બિલિયન ડોલરના ૨૪ કરાર થયા હતા, જેમાં સ્કિલ ડેવલપમેન્ટ, શિક્ષણ, વેપાર, રેલવે, ખાણ અને ખનીજ, અંતરિક્ષ, ખાદ્યાન્ન, ટેલિવિઝન પ્રસારણ, પ્રવાસન, થિંકટેન્કની રચના, આયોજન, આર્થ સાયન્સ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન, વિદેશી બાબતો, સિસ્ટર સિટીના વિકાસ, સાંસ્કૃતિક સંબંધોનાં ક્ષેત્રમાં સહકાર સાધવા મહત્ત્વની સમજૂતીઓનો સમાવેશ થાય છે.
ગયા શુક્રવારે બૈજિંગ સ્થિત ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે ભવ્ય સમારંભમાં મોદીને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા હતા. મોદી અને ચીનના વડા પ્રધાન લી કેકિયાંગ વચ્ચે યોજાયેલી મહત્ત્વની દ્વિપક્ષીય મંત્રણાઓમાં સરહદી વિવાદ, દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને આતંકવાદ જેવા અનેક મુદ્દા પર ચર્ચા થઇ હતી.
સંયુક્ત નિવેદનમાં મોદીએ જણાવ્યું કે સરહદી વિવાદોના ઉકેલ માટે અમે સંમત છીએ. જ્યારે કેકિયાંગે જણાવ્યું કે અમે ઉચિત સમાધાન માટે સરહદી મુદ્દે મંત્રણા ચાલુ રાખીશું. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને વખોડતાં મોદીએ હતું કે બંને દેશોના સહિયારા પાડોશી દેશની અસ્થિરતાને કારણે ભારત અને ચીનનો વિકાસ મંદ પડે છે. આપણે સાથે મળીને આ પ્રકારના આતંકવાદનો સામનો કરવો જોઇએ. અમે ચીની નાગરિકોને ઇલેક્ટ્રોનિક ટૂરિસ્ટ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. મોદીએ ટેમ્પલ ઓફ હેવનની મુલાકાત દરમિયાન ચીની પીએમ અને બાળકો સાથે સેલ્ફી ખેંચી હતી. સાંજે મોદી શાંઘાઇ પહોંચ્યા હતા
આ સેલ્ફીનો સમય, થેન્ક્યૂ પીએમ : મોદી
દ્વિપક્ષીય મંત્રણાઓમાં વ્યસ્ત હોવા છતાં ભારત અને ચીનના વડા પ્રધાનોએ હળવાશની પળો શોધી કાઢી હતી. મોદીએ ચીની વડા પ્રધાન સાથે સેલ્ફી લઈ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. મોદીએ ટ્વિટ કર્યું હતું કે આ સેલ્ફી લેવાનો સમય છે, થેન્ક્યૂ પીએમ લી.
જિનપિંગે પ્રોટોકલ તોડ્યો
વડા પ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના વતન શિયાનથી ત્રણ દિવસની ચીન યાત્રાનો આરંભ કર્યો હતો. મોદી અને જિનપિંગે બન્ને દેશો વચ્ચે વધુ વિશ્વાસ સ્થાપવા અને સરહદ પર શાંતિ જાળવવા અંગે મંત્રણા કરી હતી. મોદી ગયા ગુરુવારે શિયાન પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જિનપિંગે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની ભારત યાત્રાનો પ્રારંભ અમદાવાદથી કર્યો હતો તે જ રીતે મોદીએ ચીન યાત્રા આરંભ જિનપિંગના વતનથી કર્યો હતો. જિનપિંગ સૌ પ્રથમવાર પ્રોટોકોલ તોડીને બૈજિંગની બહાર આ રીતે અન્ય દેશના કોઈ વડાને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘મારા વતનમાં એક વિદેશી નેતાની હું પ્રથમવાર આ રીતે આગતા-સ્વાગતા કરી રહ્યો છું.’ તેમણે આશા વ્યક્ત કરી કે મોદીની આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત બનાવશે. અમદાવાદમાં મોદીએ કરેલા ભવ્ય આતિથ્યસત્કારનો પણ આ પ્રસંગે જિનપિંગે ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ તેમના ભવ્ય સ્વાગત બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, 'આ ફક્ત મારા નહીં પરંતુ સવા સો કરોડ ભારતીયોનાં સન્માનની વાત છે,'
શિયાન પહોંચ્યા બાદ મોદી ચીનના વિખ્યાત મ્યુઝિયમ ટેરાકોટા વોર મેમોરિયલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિઝિટર બુકમાં લખ્યું હતુંઃ 'આ મૂર્તિઓ ચીની સભ્યતાની ઉપલબ્ધિઓનું પ્રતીક છે.' બાદમાં મોદી શિયાન શહેરના શિંગ શાન બૌદ્ધમંદિર પહોંચ્યા હતા. અહીં તેઓ તેમને જોવા એકઠી થયેલી ભીડને મળવા સુરક્ષાવ્યવસ્થા તોડીને પહોંચી ગયા હતા.
શિખર મંત્રણા
ચીન પ્રવાસના પ્રથમ દિવસે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શિખર મંત્રણા યોજી હતી. જેમાં સરહદી વિવાદ, ત્રાસવાદ, યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ અને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતને સભ્યપદ સહિતના મુદ્દા કેન્દ્રસ્થાને હતા. ઉષ્માભર્યા માહોલ વચ્ચે પણ મોદીએ ચીન દ્વારા પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માંથી પસાર થતા ઈકોનોમિક કોરિડોરમાં ૪૬ બિલિયન ડોલરના રોકાણ કરવાની જાહેરાત કરી છે તે મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત મોદીએ અરુણાચલ પ્રદેશના રહેવાસીઓ માટે ચીન દ્વારા જારી કરાતા સ્ટેપલ્ડ વિઝાનો મુદ્દે પણ ચર્ચા કરી હતી.
ભારતના વિદેશ સચિવ એસ. જયશંકરે બન્ને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરે થયેલી મંત્રણા અંગે જણાવ્યું હતું કે રાજકીય મોરચે બન્ને દેશો વચ્ચે ‌વધુ વિશ્વાસ સ્થાપવા અને પરસ્પરના હિત જળવાય તેવા પગલાં લેવા માટે વ્યાપક ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે બન્ને નેતાઓએ સરહદ પર શાંતિ સ્થાપવા અને નદીઓના મુદ્દે પણ ચર્ચા કરી હતી. આર્થિક મોરચે બન્ને નેતાઓએ વ્યાપાર ખાધ-વ્યાપાર અસંતુલન અંગે ચર્ચા કરી હતી.
શિખર મંત્રણા બાદ બન્ને નેતાઓ ભારતની મુલાકાતે આવેલા વિખ્યાત ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગની સ્મૃતિમાં બનેલા વાઇલ્ડ ગુઝ પેગોડાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ બાબતો અંગે જિનપિંગે ખુદ મોદીને માહિતગાર કર્યા હતા.
કંપનીઓ વચ્ચે ૨૧ કરાર
ચીન પ્રવાસના અંતિમ દિવસે વડા પ્રધાન મોદીએ શાંઘાઇમાં ચીની ઉદ્યોગજગતને ‘મેક ઇન ઇન્ડિયા’નો નારો આપતાં ભારતમાં બદલાયેલાં આર્થિક વાતાવરણનો લાભ લેવાની હાકલ કરી હતી. ટોચના ઉદ્યોગપતિઓને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે હું અહીં તમને ભારતમાં ઉત્પાદન કરવાનું આમંત્રણ આપવા આવ્યો છું. આ બિઝનેસ સમિટમાં ચીની ઉદ્યોગપતિઓએ ભારતીય કંપનીઓ સાથે ૨૨ બિલિયન ડોલરના ૨૧ કરારો કર્યા હતા. જેમાં મુખ્યત્વે ભારતીય નાણા સંસ્થાનો, ટેલિકોમ, સ્ટીલ, સોલર એનર્જી અને ફિલ્મ ક્ષેત્રની કંપનીઓ સાથેના કરારો સામેલ હતા. આ ઉપરાંત ચીને ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાના વચનો આપ્યાં છે.
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે ચાઇના ડેવલપમેન્ટ બેન્ક સાથે બે બિલિયન ડોલર અને ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના (આઈસીબીસી)ની સાથે ૫૦ કરોડ ડોલરના ઋણની સમજૂતી કરી છે. ચીનની ગોલ્ડન કોન્કોર્ડ હોલ્ડિંગ્સ લિ.એ સોલર એનર્જી, ચાઇના સ્મોલ મીડિયમ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનએ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, ચાઇના ડેવલપમેન્ટ બેન્કે મુંદ્રા પાવર પ્રોજેક્ટમાં રોકાણ, ચાઇના ટેક્નિકલ ઇમ્પોર્ટ, એક્સ્પોર્ટ કોર્પોરેશને સ્ટીલ પ્રોજેક્ટમાં રોકાણ અને ભાગીદારી કરવાના કરાર કર્યાં હતાં.
ઇન્ડિયા-ચાઇના બિઝનેસ ફોરમને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે આગામી સદી એશિયનોની છે. ચીન વિશ્વની ફેક્ટરી છે તો ભારત વિશ્વની બેક ઓફિસ છે. ભારત નોલેજ સોસાયટી છે તો ચીન ઇનોવેટિંગ સોસાયટી છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં સ્ત્રોતો અને માળખાકીય સુવિધા છે, આવીને તેનો લાભ ઉઠાવો, હું તમારા પર વ્યક્તિગત ધ્યાન આપીશ. ડેલિયન સિટીના ડિરેક્ટર લાન્ગ્યે સુને જણાવ્યું હતું કે અમે ઊર્જા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે ગુજરાતમાં મોટું રોકાણ કરવાની યોજના ધરાવીએ છીએ.
આગામી સદી એશિયાની
મોદીએ બિઝનેસ ફોરમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે બૌદ્ધ ધર્મ દુનિયા માટે શાંતિનો સંદેશો છે. આગામી સદી એશિયાના દેશોની છે. બંને દેશો વચ્ચે સહકારની ઘણી તકો છે. રામાયણ અને ગીતાનો ચીની અનુવાદ કરાયો છે. બંને દેશોની સંસ્કૃતિ સમાન છે.
‘દરેક ક્ષણ ભારતીયો માટે’
શાંઘાઈના વર્લ્ડ એક્સ્પો સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મારા જીવનની દરેક ક્ષણ, દરેક કણ-કણ સવાસો કરોડ ભારતીયો માટે છે. એક વર્ષમાં અમે જે વાવ્યું છે તેને સિંચવા માટે સમય જોઈએ, જો આ કામ હું સત્તાના પાંચમા વર્ષે કરત તો પાર પડ્યું હોત? હું મારા શાસનના પાંચમા વર્ષે વિદેશ ગયો હોત તો શું તેઓ મારો વિશ્વાસ કરત? મારી ટીકા કામ કરવા માટે જ થઇ રહી છે. ટીકા કરો ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ શંકા ન કરતા. ગયા શનિવારે ૭૦૦૦ જેટલા ભારતીયોને સંબોધતા મોદીએે તેમની વિદેશયાત્રાની ટીકા કરનારાને સંભળાવ્યું હતું કે જો વધારે કામ કરવું અપરાધ છે તો સવાસો કરોડ ભારતીયો માટે મને આ અપરાધ કરવો મંજૂર છે. હું છેલ્લાં ૩૦ વર્ષથી અટકેલાં કામો પૂરાં કરવામાં લાગ્યો છું. તમે મને જે માન આપ્યું છે તે તમે સવાસો કરોડ ભારતીયોને આપ્યું છે.
‘કર્મ કરતા રહો...’
શાંઘાઈની ફુદાન યુનિર્વિસટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે જ્ઞાન પૂર્વ કે પશ્ચિમનું હોતું નથી. ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે મા ફલેષુ કદાચન એટલે કે કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. એવા ઘણા ઓછા નેતા હોય છે જેમને વિદેશયાત્રામાં બે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવાની તક મળી હોય. ચીનની યુવાપેઢી સાથેની મુલાકાત મારું સૌભાગ્ય છે. વડા પ્રધાને યુનિવર્સિટીમાં ગાંધીયન એન્ડ કલ્ચરલ સ્ટડીઝ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ગાંધી અને બુદ્ધનાં શિક્ષણને અપનાવવા માગે છે. ગાંધીના આદર્શો અને વિચારોમાં બંને સમસ્યાઓનો ઉકેલ છે. મોદીના વિચારોથી પ્રભાવિત ફુદાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાષણ સમાપ્ત થતાં જ મોદી-મોદીના નારા લગાવી તેમને વધાવી લીધા હતા.

ભારત-ચીન • ૨૪ કરાર
• ચેન્નઈ, ચેંગડુમાં નવા વાણિજ્ય દૂતાવાસ • વોકેશનલ એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સહકાર • ગાંધીનગરમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટ પર સહકાર • વેપારમંત્રણામાં સહકાર માટે રચનાત્મક માળખું ઘડવું • ચીનની સામ્યવાદી પાર્ટી સાથે આંતરરાષ્ટ્રીય બાબતો પર સહકાર • રેલવે ક્ષેત્રે સહકાર એક્શન પ્લાન પર કરાર • શૈક્ષણિક આદાનપ્રદાન કાર્યક્રમ વિશે સમજૂતી કરાર • ખાણ-ખનીજ ક્ષેત્રે સહકાર સાધવા સમજૂતી કરાર • પાંચ વર્ષમાં અંતરિક્ષ ક્ષેત્રે સાથે મળી કામ કરશે • ખાદ્યાન્ન પરના આરોગ્ય અને સુરક્ષાનિયંત્રણો પર પ્રોટોકોલ • માહિતી અને પ્રસારણ ક્ષેત્રમાં સહકાર, દૂરદર્શન સાથે સમજૂતી કરાર • પ્રવાસનને વેગ આપવા પ્રવાસનમંત્રાલયો વચ્ચે સહકારનો કરાર • ઇન્ડિયા-ચાઇના થિંકટેંક ફોરમની સ્થાપના કરવા સમજૂતી કરાર • નીતિઆયોગ અને ચીની ડેવલપમેન્ટ કાઉન્સિલ વચ્ચે સમજૂતી કરાર • ધરતીકંપ મુદ્દે સહકાર સાધવા ભૂસ્તર વિભાગો વચ્ચે સમજૂતી કરાર • સમુદ્રી વિજ્ઞાન, સમુદ્રી ટેક્નોલોજી, ક્લાઇમેટ ચેન્જ અંગે સમજૂતી કરાર • જિયોલોજિકલ અને ખાણ ક્ષેત્રે વૈજ્ઞાનિક સહકાર માટે સમજૂતી કરાર • કર્ણાટક અને સિચુઆન વચ્ચે સિસ્ટર સ્ટેટના સંબંધો સ્થાપવા કરાર • ચેન્નઈ-ચોંગક્વિંગ વચ્ચે સિસ્ટર સિટી કરાર • હૈદરાબાદ-ક્વિગડાઓ વચ્ચે સિસ્ટર સિટી કરાર • દુનહુઆંગ-ઔરંગાબાદ વચ્ચે સિસ્ટર સિટી કરાર • ફુદાન યુનિવર્સિટી સાથે સાંસ્કૃતિ સંબંધો માટે સમજૂતી કરાર • ચીનમાં યોગ કોલેજ સ્થાપવા સમજૂતી કરાર • રાજ્ય-પ્રદેશ નેતાઓનું ફોરમ રચવા સમજૂતી કરાર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter