ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે વડાપ્રધાનનું આ સન્માન કરાયું હતું. ભારત અને ઘાના વચ્ચે સંસ્કૃતિ, આરોગ્ય અને સંસ્થાકીય સંવાદ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતાં. આ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રની મોદીની પ્રથમ મુલાકાત હતી અને ત્રીસ વર્ષથી વધુ સમયમાં ઘાનાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન હતાં.
મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને ભાગીદારીની સમીક્ષા કરી હતી. બંને નેતાઓ વચ્ચે આર્થિક, ઊર્જા અને સંરક્ષણ સહયોગ અને વિકાસ સહયોગમાં વધારો કરવાના માર્ગો પર ચર્ચાવિચારણા કરાઈ હતી. મોદીએ ઘાનાના મહાનુભાવોને પશ્મીના શાલથી લઇને બિદ્રી કલાકૃતિના ફૂલદાની સુધીની વિશેષ ગિફ્ટ આપી હતી. વડાપ્રધાને ઘાનાના પ્રેસિડન્ટને કર્ણાટકના બિદરની પ્રખ્યાત બિદ્રી કલાકૃતિના ફૂલદાની, પ્રેસિડન્ટના પત્નીને ઓડિશાના કટકનું આ ભવ્ય સિલ્વર ફિલિગ્રી વર્ક પર્સ ગિફ્ટમાં આવ્યું હતું. જે પ્રખ્યાત તારકાસી હસ્તકલાનું એક અદભુત ઉદાહરણ છે.