મોસ્કોમાં મુંબઇ જેવો આતંકી હુમલોઃ 139નાં મોત

Wednesday 27th March 2024 04:15 EDT
 
 

મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા ભીષણ આતંકી હુમલામાં મૃત્યુઆંક વધીને 137 થયો છે, જ્યારે ઇજાગ્રસ્તોની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. રશિયાના વડા પુતિને દેશને કરેલા સંબોધનમાં હુમલાખોરોને આકરા પરિણામોની ચેતવણી આપી હતી. આ હુમલામાં 11 લોકોની અટકાયત કરાઈ છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન આઇએસઆઇએસ-કે દ્વારા સ્વીકારવામાં આવી છે, પરંતુ પુતિનનું કહેવું છે કે, આ હુમલામાં યુક્રેનનો હાથ છે કેમ કે હુમલાખોરોએ યુક્રેન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. રશિયાની પોલીસે પકડેલા 11 પૈકી 4 હુમલાખોરો હતા અને 7 લોકો તેમને મદદ કરનારા હતા એમ મનાય છે. આ આતંકી હુમલો એક સુવ્યવસ્થિત આયોજન હેઠળ કરાયો છે તેમ જણાવતાં સંસ્થાઓનું કહેવું છે કે હુમલાખોરોએ અગાઉથી જ ક્રોક્સ સિટી હોલમાં હથિયારો છુપાવીને રાખ્યાં હતાં.
રશિયાનું કહેવું છે કે આતંકીઓએ સમગ્ર હોલને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં પણ હોલમાં અનેક રસાયણો મળ્યાં હતાં. અમેરિકન ઇન્ટેલિજન્સ સંસ્થાના એક અધિકારીનું કહેવું છે કે યુએસ સંસ્થાઓએ પણ પુષ્ટિ કરી છે કે આ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
પૈસા માટે હુમલો કર્યો હતોઃ શકમંદ
રશિયાના મોલમાં નિર્દોષોને મોતને ઘાટ ઉતારનારા 5 આતંકવાદી પૈકીના એક શકમંદનો વીડિયો જાહેર કરાયો છે. શનિવારે રશિયન સુરક્ષા દળોએ આ માનવસંહાર માટે જવાબદાર એવા 11 શકમંદોની યુક્રેનની સરહદ નજીકથી ધરપકડ કરી હતી. વીડિયોમાં પકડાયેલા આતંકીએ જણાવ્યું હતું કે, તે હુમલાના આગલા દિવસે તુર્કીમાં હતો અને તેણે પૈસા માટે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ કામ માટે તેને 5 લાખ રશિયન રૂબલ (5,418 અમેરિકન ડોલર) મળવાના હતા. તેણે એમ પણ જણાવ્યું હતું કે, તે ટેલિગ્રામ ચેનલ પર 2 ધર્મગુરુઓનાં ભાષણો સાંભળતો હતો.
આતંકીઓ હુમલા પછી યુક્રેન ભાગવાની ફિરાકમાં હતાઃ પુતિન
આતંકી હુમલા પછી શનિવારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહ્યું હતું કે, આ હુમલા પાછળ જે લોકો હશે તેમને છોડવામાં નહીં આવે. વધુમાં પુતિને હુમલા પાછળ યુક્રેનની સંડોવણીના સંકેત આપ્યા હતા. પુતિને રશિયામાં સતત પાંચમી વખત સત્તા પર કબજો જમાવ્યાના એક સપ્તાહમાં જ મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં છેલ્લા બે દાયકામાં સૌથી ભયાનક આતંકી હુમલો થયો હતો. આ હુમલાની ટીકા કરતા પ્રમુખ પુતિને રવિવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, અનેક નિર્દોષ લોકો ક્રોકસ સિટી હોલમાં આતંકી હુમલાનો ભોગ બન્યા છે. મને ખાતરી છે કે ક્રોકસ સિટી હોલમાં આતંકી હુમલાના પીડિતોને બચાવવા માટે ડોક્ટરો બનતા બધા જ પ્રયત્નો કરશે. આ હુમલા પાછળ જે પણ લોકો હશે તેમને અમે છોડીશું નહીં. તેમને આકરી સજા કરવામાં આવશે. અમારી પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરો યુક્રેન ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલાં જ તેમની ધરપકડ કરી લેવાઈ છે. આ હુમલામાં યુક્રેનની સંડોવણી હોવાની પણ આશંકા છે. હુમલાખોરો યુક્રેનમાં કેટલાક લોકોના સંપર્કમાં હતા.
પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયામાં થયેલા હુમલા અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, અમે મોસ્કોમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરીએ છીએ. પીડિત પરિવારો સાથે અમારી સહાનુભૂતિ અને સંવેદના છે. ભારત દુઃખની આ ઘડીમાં રશિયાની સરકાર અને લોકોની સાથે છે.

અત્યંત ધર્માંધ આઇએસઆઇએસ ખોરાસન રશિયાનું કટ્ટર દુશ્મન

રશિયામાં 20 વર્ષમાં સૌથી ભયાનક આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ-ખોરાસને લીધી છે. પહેલાં સીરિયા અને મધ્ય-પૂર્વમાં કેન્દ્રીત આ આતંકી સંગઠને હવે રશિયાને પણ નિશાન બનાવ્યું છે. આ આતંકી સંગઠન ઇસ્લામિક-સ્ટેટ ઓફઈરાક એન્ડ સીરીયાની (ખિલાફત)ની રચના માટે આતુર છે. ઈસ્લામિક સ્ટેટનું ખોરાસન એકમ અફઘાનિસ્તાન, મધ્ય એશિયાના તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઉત્તર-પૂર્વ ઈરાનના પર્વતીય પ્રદેશો સુધી વિસ્તર્યું છે. ઈસ્લામિક સ્ટેટ ખોરાસન રશિયાનું કટ્ટર દુશ્મન બન્યું છે, જેનું કારણ સીરિયામાં પ્રમુખ બશરના શાસનને રશિયાનું સમર્થન છે. સીરિયામાં પ્રમુખ બશરના શાસનને ટકાવી રાખવા માટે રશિયાએ તેના સૈનિકો મોકલ્યા છે. આ કારણથી છેલ્લા બે વર્ષથી આઈએસ-ખોરાસને રશિયા પર તેનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. વધુમાં આ આતંકી સંગઠન મુજબ રશિયા મુસ્લિમો પર અત્યાચાર કરે છે. રશિયા એક ખ્રિસ્તી દેશ છે. આથી જ ક્રોકસ સિટી હોલમાં હુમલા પછી ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે, તેણે ખ્રિસ્તીઓની ભીડ પર હુમલો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter