મ્યાનમારમાં હિંસાઃ ૧.૨૩ લાખથી વધુ બાંગ્લાદેશ પહોંચ્યા

Thursday 07th September 2017 02:02 EDT
 
 

નવી દિલ્હીઃ મ્યાનમારમાં હિંસાનો શિકાર રોહિંગ્યા મુસ્લિમોનું પલાયન ચાલુ છે. યુએન રિપોર્ટ અનુસાર છેલ્લા આઠ દિવસમાં ૧ લાખ ૨૩ હજાર ૬૦૦ શરણાર્થી મ્યાનમારની સરહદ પાર કરીને બાંગ્લાદેશ આવી ગયા છે. તેમાંથી ૩૭ હજારે તો માત્ર ૨૪ કલાકમાં સરહદ પાર કરી છે. માત્ર હજાર શરણાર્થી પરિવાર સાથે શરણાર્થી શિબિરોમાં રહી રહ્યા છે. બાકીના શરણાર્થી પરિવાર છોડીને આવ્યા છે અથવા વિખૂટા પડી ગયા છે. બાંગ્લાદેશમાં હાલમાં ૫ લાખ રોહિંગ્યા મુસ્લિમો રહે છે, પણ માત્ર ૩૨ હજારને શરણાર્થીનો દરજ્જો અપાયો છે. માત્ર રોહિંગ્યા મુસ્લિમો નહીં, ૪૦૦ કરતાં વધારે હિન્દુ પણ હિંસાને કારણે ઘર છોડી ચૂક્યા છે.

અત્યાચાર રોકોઃ બ્રિટન

બાંગ્લાદેશ, મલેશિયા, બ્રિટન, પાકિસ્તાન અને તૂર્કીએ રોહિંગ્યા મુસલમાનો પર થઇ રહેલા અત્યાચાર રોકવાની મ્યાનમારને અપીલ કરી છે. પાકિસ્તાનની મલાલા યુસુફઝઇએ મ્યાનમારનાં વિદેશ પ્રધાન સૂ કીને પૂછ્યું છે કે તમે તો સંઘર્ષનાં ચેમ્પિયન રહ્યા છો. આ મુદ્દે ક્યારે બોલશો?

૧૬મી સદીથી નાગરિકતા નથી

રોહિંગ્યા મુસલમાન ૧૬મી સદીથી મ્યાનમારમાં રહે છે. વસતી આશરે ૧૦ લાખ છે, પરંતુ તેમની પાસે નાગરિકતા નથી. મ્યાનમારની બૌદ્ધ બહુમતી તેમને બાંગ્લાદેશી પ્રવાસી માને છે. નાગરિકતા મેળવવા માગતા રોહિંગ્યા મુસલમાનોને પુરવાર કરવાનું હોય છે કે તેના પરદાદા ૧૮૨૩ પહેલા મ્યાનમાર આવ્યા હતા.

મોદીએ સૂ કી સાથે વાત કરી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારનાં વિદેશ પ્રધાન સૂ કી સાથે વાત કરી અને જાણાવ્યું કે તેઓ તેમની સાથે મુલાકાત કરશે. મોદી તેમની સાથે રોહિંગ્યાના મુદ્દા અંગે વાત કરી શકે છે. ભારતમાં આશરે ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમ રહે છે. સુપ્રીમ કોર્ટે સરકારને તેમની સ્થિતિ વિશે પૂછ્યું છે. રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન રિજિજુએ કહ્યું કે, સરકાર રોહિંગ્યા શરણાર્થીઓને પાછા મોકલવાની યોજના બનાવી રહી છે.

વિદ્રોહીઓએ ૬૦૦થી વધુ મકાનને આગ

મ્યાનમારની સેનાએ રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ અભિયાન આદર્યું છે. સેનાના એક અધિકારીએ દાવો કર્યો હતો કે, રોહિંગ્યા વિદ્રોહીઓએ રાખીન પ્રાંતમાં ૨૫મી ઓગસ્ટે ૩૦ પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો. ત્યારથી આવા હુમલામાં ૧૩ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. વિદ્રોહીઓએ બે દિવસમાં ગામના લગભગ ૬૦૦ મકાનોને આગ ચાંપી દીધી છે. જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર ૧૦૦થી વધુ રોહિંગ્યા વિદ્રોહીઓ માર્યા ગયા છે. હિંસામાં સાત હિન્દુનાં પણ મૃત્યુ થયાં છે.

રોહિંગ્યાનું પલાયન

મ્યાનમારમાં હિંસાનો શિકાર રોહિંગ્યા મુસ્લિમોનું પલાયન ચાલુ છે. યુએન રિપોર્ટ અનુસાર છેલ્લા દસેક દિવસમાં ૧ લાખ ૨૩ હજાર ૬૦૦થી વધુ શરણાર્થી મ્યાનમારની સરહદ પાર કરીને બાંગ્લાદેશ પહોંચ્યા છે. તેમાંથી ૩૭ હજારે તો માત્ર ૨૪ કલાકમાં સરહદ પાર કરી છે. માત્ર હજાર શરણાર્થી પરિવાર સાથે શરણાર્થી શિબિરોમાં રહી રહ્યા છે. બાકીના શરણાર્થી અથવા તો પરિવાર છોડીને આવ્યા છે અથવા વિખૂટા પડી ગયા છે. બાંગ્લાદેશમાં હાલ ૫ લાખ રોહિંગ્યા મુસ્લિમો રહે છે, પણ તેણે માત્ર ૩૨ હજારને શરણાર્થીનો દરજ્જો આપ્યો છે. માત્ર રોહિંગ્યા મુસ્લિમો નહીં, ૪૦૦ કરતાં વધારે હિન્દુ પણ હિંસાને કારણે ઘર છોડી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter