યુએઈમાં લુલુ પરિવારે રૂ. એક કરોડ બ્લડમની ચુકવી ભારતીયને બચાવ્યો

Wednesday 09th June 2021 06:13 EDT
 
 

અબુધાબી: યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં સુદાનના એક છોકરાના ૨૦૧૨માં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા મોતના વિવાદમાં એક ૪૫ વર્ષીય ભારતીયને મુક્તિને મળી છે. તેને સપનેય ખ્યાલ નહિ હોય કે તે આ વિવાદમાં પોતાના પરિવારને પાછો મળી શકશે. આ ઘટના ચકચારી તો હતી જ પણ એટલી જ ચર્ચિત પણ હતી.
બી. કૃષ્ણનને એનઆરઆઇ વેપારી અને ફિલાન્થ્રોપિસ્ટ એમ. એ. યુસુફ અલીએ બચાવી લીધો હતા. તેમણે આશરે એક કરોડ રૂપિયાની રકમ ‘બ્લડ મની’ તરીકે ચૂકવી હતી. કેરળના રહેવાસી કૃષ્ણનને યુએઇ સુપ્રીમ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારાઇ હતી. સપ્ટેમ્બર ૨૦૧૨માં બાળકોના એક જૂથમાં તેની કારને આડેધડ ડ્રાઇવિંગ થકી ઘુસાડીને એક સુદાનીસ છોકરાનું મોત નીપજવા બદલ તે દોષિત ઠર્યો હતો. એ પછી પરિવાર અને મિત્રોએ કૃષ્ણનની મુક્તિ માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. જોકે પીડિતનો પરિવાર સુદાનમાં જઇને સેટલ થઇ ગયો હતો અને આ કેસની ચર્ચા અથવા માફી પર લગભગ પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું.
એ પછી કૃષ્ણનના પરિવારે લુલુ જૂથના વડા યુસુફ અલીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આ કેસની વિગત અંગે જાણકારી મેળવી હતી અને કેસના તમામ પક્ષકારોને મળ્યા હતા. એ પછી આશાનું કિરણ દેખાયું હતું. જાન્યુઆરી ૨૦૨૧માં સુદાનમાં પીડિતના પરિવારે કૃષ્ણનને માફી આપવા સંમતિ દર્શાવી હતી. એ પછી યુસુફ અલીએ પાંચ લાખ દિરહામ (આશરે રૂ. એક કરોડ) વળતર તરીકે કોર્ટમાં ચુકવવાની તૈયારી દર્શાવી હતી. એ પછી કૃષ્ણનની મુક્તિ શક્ય બની હતી તેમ લુલુ જૂથે એક નિવેદનમાં કહ્યું હતું.
અબુ ધાબીમાં અલ વાટબા જેલમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથેની વાતચીતમાં અત્યંત ભાવુક બની ગયેલા કૃષ્ણને કહ્યું હતું કે ‘આવી રીતે સ્થિતિ બદલાશે તેનો વિશ્વાસ નહતો. આ મારા માટે પુનર્જન્મ જેવો છે. મેં બહારની દુનિયા જોવાની તમામ આશા ખોઇ દીધી હતી. મુક્ત જીવન મળશે તેની કોઇ આશા નહોતી. મારી એક માત્ર ઇચ્છા મારા પરિવારજનોને મળતા પહેલાં મારા તારણહાર યુસુફ અલીને મળવાની છે.’
બીજી બાજુ યુસુફ અલીએ કૃષ્ણનની મુક્તિ બદલ ઇશ્વરનો આભાર માન્યો હતો અને યુએઇના વિઝનરી શાસકોની સહૃદયતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કૃષ્ણન માટે ખુશ અને શાંતિપૂર્ણ જીવનની શુભેચ્છા વ્યક્ત કરી હતી. કૃષ્ણનની મુક્તિ માટેની તમામ પ્રક્રિયા ત્રીજી જૂનના રોજ પૂર્ણ થઇ ગઇ છે અને તે ટૂંકમાં જ તેના હોમ ટાઉન કેરળમાં પહોંચે તેવી ધારણા છે. આમ તે નવ વર્ષ પછી તેના પરિવારને મળશે તેમ લુલુ જૂથના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter