યુએનની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે સ્વીડન ભારતની પડખે

Thursday 04th June 2015 06:38 EDT
 

સ્ટોકહોમઃ સ્વીડને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યના રૂપમાં ભારતની દાવેદીરને સમર્થન આપતાં કહ્યું કે, ભારત પોતાના ભૌગોલિક આકાર અને સમૃદ્ધિના આધારે આ પદ માટે દાવેદાર છે. સ્વીડને મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રિજિમ (એટીસીઆર)માં પણ ભારતના પ્રવેશને સમર્થન આપ્યું છે.

એમટીસીઆર એક સ્વૈચ્છિક સંગઠન છે જેમાં વ્યાપક વિનાશના હથિયાર લઈ જવામાં સક્ષમ માનવરહિત સિસ્ટમના અપ્રસારનો પક્ષ લેનારા ૩૪ દેશ સામેલ છે. સ્વીડન દ્વારા ભારતને સમર્થન આપવાની જાણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ગત સપ્તાહે સ્વીડન સત્તાવાર પ્રવાસે હતા. તેઓ ત્યાંથી બેલારુસ પહોંચ્યા હતા. પ્રણવ મુખરજી સ્વીડનનો પ્રવાસ કરનારા પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે.

કાશ્મીર મુદ્દો તો ભાગલા વખતનો અધૂરો એજન્ડા છેઃ પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો પોતાનો હિસ્સો ગણાવ્યો છે. પાકિસ્તાની સૈન્યના વડા જનરલ રાહીલ શરીફ કહે છે કે, કાશ્મીર ભારત-પાકિસ્તાનના વિભાજનનો અધૂરો એજન્ડા છે. કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો છે. ઇસ્લામાબાદમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં કેડેટ્સને સંબોધતા જનરલ શરીફે જણાવ્યું કે કાશ્મીરને પાકિસ્તાનથી અલગ કરી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો હેઠળ કાશ્મીરનો મુદ્દો ઉકેલવો જોઈએ. ભારતનું નામ લીધા વગર તેમણે જણાવ્યું કે કેટલાક લોકો પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ અમે આ નાપાક ઇરાદાઓને પરાસ્ત કરવા માટે કટિબદ્ધ અને સક્ષમ છીએ.

પોપ ફ્રાન્સિસે ૨૫ વર્ષથી ટીવી જોયું નથીઃ ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે છેલ્લાં ૨૫ વર્ષથી ટીવી જ જોયું નથી. પોપે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ ૧૯૯૪થી ક્યાંય પણ રજા માણવા ગયા નથી. પોપે લા વોજ દેલ પ્યૂબ્લો નામના અખબારને જણાવ્યું કે મેં જુલાઈ ૧૯૯૦થી ટીવી ન જોવાનો નિર્ણય કર્યો હતો. મેં માત્ર એવું વિચાર્યું હતું કે હું ટીવી માટે માટે નથી. ગાર્ડ છોડવાના કારણે તેઓ પોતાની પસંદગીના ફૂટબોલની મેચ પણ જોઈ શકતા નથી. પોપના સ્વિસ ગાર્ડ તેમને દરેક ફૂટબોલ મેચના સ્કોરની સૂચના આપે છે. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર સવારે દસ મિનિટ માટે વેટિકન સિટીના સત્તાવાર અખબાર ઓસર્વેટર રોમાનો જ વાંચે છે. તેઓ હવે ઈન્ટરનેટથી પણ દૂર રહે છે. પિત્ઝા અને આઝાદીને યાદ કરતાં પોપ જણાવે છે કે તેઓ તેમની જૂની જિંદગીની બે મહત્ત્વપૂર્ણ ચીજોને હંમેશા યાદ કરે છે. તેમાં એક આઝાદી અને બીજું છે પિત્ઝા. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે તેઓ બ્યુનસ આયર્સમાં કાર્ડિનલ હતા ત્યારે તેઓ ઘણું ચાલતા હતા.

મહિલાઓ જીન્સ પહેરે છે એટલે ભૂકંપ આવે છેઃ પાકિસ્તાનનાં એક નેતાએ એક વિચિત્ર નિવેદન કર્યું છે. પાકિસ્તાનની ઈસ્લામિક પોલિટિકલ પાર્ટીનાં નેતા મૌલાના ફઝલુર રહેમાનના જણાવ્યા પ્રમાણે મહિલાઓ જીન્સ પહેરે છે એટલે ભૂકંપ આવે છે. રહેમાન માને છે કે વિશ્વભરમાં ભૂકંપથી લઈને મોંઘવારી સુધી જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તેનું કારણ મહિલાઓની બેશર્મી છે. એક ન્યૂઝ પોર્ટના અહેવાલ મુજબ મૌલાનાં ફઝલુર રહેમાને ઈસ્લામાબાદમાં પત્રકારો સાથેની ચર્તામાં પાકિસ્તાની સૈન્યને જણાવ્યું કે, સમગ્ર પાકિસ્તાનમાં જીન્સ પહેરનારી મહિલાઓ વિરુદ્ધ એક આર્મી ઓપરેશન ચલાવવું જોઈએ અને તેમના વિરુદ્ધ કડક પગલા લેવા જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter