યુએફઓ કે એલિયન જેવું કંઇ છે જ નહીંઃ પેન્ટાગોનનો રિપોર્ટ

Friday 15th March 2024 11:10 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં વારંવાર દેખાતા યુએફઓ (UFO - અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ)ના પ્રકરણ પર પેન્ટાગોને પડદો પાડી દીધો છે. પેન્ટાગોનના અભ્યાસના જારી થયેલા તારણ મુજબ છેલ્લા એક સદીથી યુએફઓની ચાલતી વાતના કે એલિયનના કોઈ પુરાવા મળ્યા નથી.
આ અહેવાલ સાથે જ અમેરિકન સરકારે છેલ્લા કેટલાય દાયકાથી યુએફઓ કે એલિયન દેખાતા હોવાના પ્રકરણને હવે પૂરું કરી દીધું છે એમ કહી શકાય. અમેરિકામાં છેક 1945થી UFO દેખાતા હોવાની અને એલિયનની વાતો ચાલતી હતી.
અમેરિકન કોંગ્રેસ સમક્ષ ગયા શુક્રવારે રજૂ કરાયેલા આ અહેવાલમાં ઉલ્લેખ છે કે બધી તપાસનો એ નિષ્કર્ષ છે કે આ પ્રકારની વસ્તુ દેખાવાની બાબત વાસ્તવમાં એક રીતે ખોટી ઓળખનું પરિણામ છે અથવા આકાશમાં ફરતા પદાર્થ અંગેની જાણકારીનો અભાવ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાય વર્ષો દરમિયાન આ રીતે દેખાયેલા યુએફઓના જવાબ મેળવવા પ્રયત્ન કર્યા છે, પરંતુ તેઓને આવું કશું મળ્યું નથી કે કોઈ એલિયન પણ મળ્યું નથી. સરકારે 2021માં અહેવાલ આપ્યો હતો કે એરક્રાફ્ટ કે તેના જેવા અન્ય સાધનો અકલ્પનીય ઝડપે ઉડતા જોવા મળ્યા હોવાના 144 બનાવની સમીક્ષા કરી હતી, પણ તેમા યુએફઓ કે એલિયન હોવા અંગેના કોઈ સંકેત મળ્યા ન હતા. પેન્ટાગોને આ માટે છેવટે અલગ વિભાગ શરૂ કર્યો હતો અને તેના દ્વારા યુએફઓને લગતી બધી જ બાબતોની તલસ્પર્શી સમીક્ષા કર્યા પછી આ રિપોર્ટ જારી કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter