વોશિંગ્ટન: અમેરિકામાં કાર્યરત અને એક બિલિયન ડોલર્સથી વધારે મૂલ્ય ધરાવતી કુલ 775 યુનિકોર્ન કંપનીમાંથી 455ના એટલે કે 59 ટકાના સ્થાપકો ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ છે. તેમાં પણ સૌથી વધુ 99 યુનિકોર્ન કંપનીઓ સ્થાપનાર જૂથ તરીકે ભારતીય ઇમિગ્રન્ટ્સ આ યાદીમાં ટોચ પર છે. 20 બિલિયન ડોલર્સનું વેલ્યુએશન ધરાવતી પરપ્લેક્સ એઆઇ જે યુએસમાં બારમા સ્થાને છે તેના સહસ્થાપક ભારતીય મૂળના અરવિંદ શ્રીનિવાસ છે.
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (એનએફએપી) દ્વારા તૈયાર થયેલા ઇમિગ્રન્ટ્સ એન્ડ યુએસ બિલિયન ડોલર્સ કંપનીઝ રિપોર્ટમાં આ માહિતી રજૂ થઇ છે. અભ્યાસમાં જણાવ્યું છે કે ઇમિગ્રેન્ટ સ્થાપક દ્વારા સ્થપાયેલાં ખાનગી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ કંપની દીઠ સરેરાશ 833 જોબ્સ સર્જે છે. કમસે કમ 15 ઇમિગ્રન્ટસ એવા છે જેમણે બે અથવા વધારે યુનિકોર્ન કંપની સ્થાપી છે. આ યાદીમાં ભારતીય મૂળના સ્થાપકો મોહિત આરોન, જ્યોતિ બંસલ, આશુતોષ ગર્ગ, અરવિંદ જૈન, સચીન તૈયર અને અજીતસિંહે જોવા મળે છે.
લેબેનોનમાં જન્મેલાં નોબાર અફેયાને એક બિલિયન ડોલર કે તેથી વધારે મૂલ્ય ધરાવતી પાંચ કંપનીઓ સ્થાપી છે. તેમાં મોડર્ના, ઈન્ડિગો એજી, જનરેટ બાયોમેડિસિન્સ, ટેસેરા થેરેપ્યુટિક્સ અને લીલા સાયન્સીઝનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં એલોન મસ્કે સ્પેસએક્સ, ઓપનએઆઈ, ધ બોરિંગ કંપની અને ન્યુરાલિન્ક એમ ચાર કંપની સ્થાપી છે જેનું વેલ્યુએશન એક બિલિયન ડોલર્સ કે તેથી વધારે છે. મસ્ક ટેસ્લા કંપનીના સીઇઓ પણ છે.
અભ્યાસમાં જણાયું હતું કે 183 યુનિકોર્ન કંપનીના સ્થાપક એવા ઉદ્યોગ નવસાહસિકો હતા જેમણે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે અમેરિકન યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. લગભગ 80 ટકા યુનિકોર્નના સ્થાપક ઇમિગ્રન્ટ છે અથવા તેઓ સીઈઓ કે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયરીંગ જેવા મહત્વના સ્થાને કામ કરે છે.


