લંડનઃ યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ અને લોર્ડ ચાન્સેલર ડેવિડ લેમી MP પણ તેમની સાથે જોડાયા હતા. આ ઈવેન્ટમાં મહત્ત્વપૂર્ણ યુકે –ઈન્ડિયા વિઝન 2035 અને સઘન ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષરની પણ ઊજવણી કરાઈ હતી.
આ રિસેપ્શનમાં પ્રિન્સ એડવર્ડ, ધ ડ્યૂક ઓફ એડિનબરા, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, નાયબ હાઈ કમિશનર કાર્તિક પાન્ડે, અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ કનિષ્કા નારાયણ MP, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન એન્ડ ઈક્વલિટીઝ બ્રિજેટ ફિલિપ્સ MP, સ્કિલ્સ મિનિસ્ટર જેકી સ્મિથ MP, લોર્ડ કરન બિલિમોરિઆ, લોર્ડ જિતેશ ગઢીઆ, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, અભિનેત્રી મીરા સ્યાલ, સેલેબ્રિટી શેફ્સ ચેતના માકન અને નિશા પરમાર, હોમ કૂક અને લેખક મલ્લિકા બાસુ, ધ ભવનના ડો. નંદકુમારા MBE, હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG)ના અનિરબન મુખોપાધ્યાય, બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશન (BHF)ના સુરંજન સોમ, સૌરવ નિયોગી અને કૌશિક ચેટરજી, ગ્રાન્ટ થોર્ન્ટનના અનૂજ ચંદે OBE, ગુજરાત સમાચાર/ એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલ, CII-UKના શેહલા હાસન, સિટી શીખ્સના પરમ સિંહ, EPGના પ્રતીક દત્તાણી, માનવાધિકાર કર્મશીલ મેન્ડી સંઘેરા OBE, કેવિન મેક્કોલ તેમજ યુકે અને ભારતના વરિષ્ઠ રાજદ્વારીઓ, સાંસદો, લોર્ડ્સ, કાઉન્સિલરો, સ્થાનિક મેયરો, બિઝનેસ અગ્રણીઓ તથા ભારત અને યુકેમાં કોમ્યુનિટીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
સીમા મલ્હોત્રા MP અને ડેવિડ લેમી MPએ મહેમાનોને સંબોધિત કરતા દિલ્હીમાં તાજેતરના આતંકી હુમલા સંદર્ભે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે વિક્ટિમ્સના પરિવારોને દિલસોજી પાઠવવા સાથે ભારતના મલોકો સાથે યુકેના ઐક્યને પ્રદર્શિત કર્યું હતું. સીમા મલ્હોત્રાએ યુકે-ભારત સંબંધોમાં નોંધપાત્ર યોગદાન આપનારા લોર્ડ સ્વરાજ પોલ, લોર્ડ મેઘનાદ દેસાઈ અને તાજેતરમાં જ ચિરવિદાય લેનારા જીપી હિન્દુજાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બુધવાર 19 નવેમ્બરે ત્રણ દિવસની ભારતયાત્રાએ જઈ રહેલાં ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ ભારત-યુકે પાર્ટનરશિપના અભૂતપૂર્વ વર્ષની ઊજવણીમાં ઉપસ્થિત રહેવા બદલ બિઝનેસ, પોલિટિક્સ, ઈન્ડસ્ટ્રી, મીડિયા, એજ્યુકેશન, કોમ્યુનિટી સંસ્થાઓ, હોસ્પિટાલિટી સેક્ટરના સભ્યો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારમાં આવ્યા પછી અર્થતંત્રની સ્થિરતા, દીર્ઘકાલીન નિર્ણયો માટેના પાયા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અન્ય દેશો સાથે વિશ્વાસ અને સંબંધોના નિર્માણની પસંદગીએ યુરોપિયન યુનિયન સાથે સંબંધોમાં નવચેતના, યુનાઈટેડ સ્ટેટ્સ સાથે વેપાર સમજૂતી તેમજ જુલાઈમાં પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મર અને વડા પ્રધાન મોદી દ્વારા યુકે-ઈન્ડિયા વિઝન 2035 તથા સઘન આર્થિક અને વેપાર સમજૂતી સાધી હતી.
ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે યુકેના સૌથી મહત્ત્વપૂર્ણ પાર્ટનર્સમાં એક ભારત છે. પ્રાઈમ મિનિસ્ટર મોદી સાથે સહભાગી ઈતિહાસ અને સહભાગી ભવિષ્ય વિશે ચર્ચાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ભારત 21મી સદીમાં ઉભરતી મહાસત્તા છે.


