યુકે પાસેથી £૪૮ બિલિયનનું ‘બ્રેક્ઝિટ ડાઈવોર્સ બિલ’ વસૂલાશે

Wednesday 01st March 2017 07:19 EST
 

લંડનઃ ફ્રાન્સ અને જર્મનીએ ઈયુ છોડવા માટે યુકે પાસેથી ઓછામાં ઓછાં ૭૦ બિલિયન યુરો વસૂલ કરવા જણાવ્યું હોવા છતાં યુરોપિયન યુનિયનના બ્રેક્ઝિટના મુખ્ય વાટાઘાટકાર માઈકલ બાર્નિયર યુકે પાસેથી ૫૭ બિલિયન યુરો (૪૮ બિલિયન પાઉન્ડ)ની રકમ માગશે. ઈયુના સભ્ય દેશોની મિટિંગમાં આ રકમ નક્કી કરાઈ હતી. બ્રિટને ૨૦૨૦ સુધીમાં ઈયુના પ્રોજેક્ટ્સ તેમજ ઓફિસરોના પેન્શન પાછળ ઘણાં બિલિયનનો ખર્ચ કરવાનું વચન આપ્યું હતું.

બ્રેક્ઝિટનું ફાઈનલ બિલ તૈયાર થશે તે પછી જ વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ થશે. ઈયુ સિટિઝન્સ માટેના પારસ્પરિક હક્ક બાબતે સંમતિ માટેની વાટાઘાટો નવેસરથી શરૂ થવી જોઈએ એવો પણ મિટિંગમાં નિર્ણય લેવાયો હતો. છૂટા પડવાની રકમ પર સંમતિ અને એક્ઝિટ ડિલ થાય તે પછી જ વેપારની વાટાઘાટો થઈ શકે તેવું ઈયુના કેટલાક સિનિયર સભ્યોનું નક્કર વલણ છે. થેરેસા મેને આશા હતી કે છૂટા પડવાની અને વેપાર અંગેની વાટાઘાટો એકસાથે થઈ શકે.

બાર્નિયરે ગત ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે બાકી રહેલી જવાબદારીઓ માટે યુકે પાસેથી ૫૦ બિલિયન પાઉન્ડ વસૂલવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૨૦ સુધી યુકેએ દર વર્ષે ઈયુ બજેટમાં ઘણાં બિલિયન ચૂકવવાનું ચાલુ રાખવુ પડશે. આ બિલમાં ઈયુ પેન્શન્સ, લોન ગેરન્ટી અને યુકે સ્થિત પ્રોજેક્ટ્સમાં યુકેએ તેના હિસ્સે આપવાની રકમનો સમાવેશ થાય છે.

આર્ટિકલ ૫૦ના ઉપયોગથી માર્ચ સુધીમાં બ્રેક્ઝિટની વાટાઘાટો શરૂ કરવા માટે થેરેસા મેએ નક્કી કરેલી સમયમર્યાદાને પહોંચી વળવા માટે સાંસદોએ બ્રેક્ઝિટ બીલને બારે બહુમતિથી પસાર કર્યું હતું.

બ્રેક્ઝિટ વાટાઘાટોની શરૂઆતમાં જ ઈયુ સિટિઝન્સના હક્ક સુરક્ષિત કરવા માટે થેરેસા મે પર તેમના પક્ષમાંથી જ દબાણ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter