લંડનઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે અને ૨૩ જૂને જનમત પણ લેવાવાનો છે, જેમાં ઈમિગ્રેશન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે. આ સંજોગોમાં લોકો વિદેશથી અહીં વસવાટ કરવા આવનારા વિશે ખરેખર શું માને છે તેનો એક સર્વે બહાર આવ્યો છે. મોટા શહેરોમાં વિદેશીઓ પ્રત્યે કેવો અભિગમ રહે છે તે જોવાં યુરોપિયન યુનિયન દ્વારા દર ત્રણ વર્ષે સર્વે કરાય છે. ગત ઉનાળામાં યુરોપના ૭૯ શહેરોમાં તાજા સર્વે અનુસાર બેલફાસ્ટના ૮૩ ટકા લોકોએ વિદેશીઓની હાજરી તેમના શહેર માટે સારી ગણાવી હતી. આની સરખામણીએ લંડન (૭૯ ટકા), ગ્લાસગો (૭૬ ટકા), માન્ચેસ્ટર (૭૪ ટકા), કાર્ડિફ (૭૩ ટકા) અને ન્યૂકેસલમાં (૭૧ ટકા) લોકોએ વિદેશીઓની હાજરીને તેમના શહેર માટે સારી ગણાવી હતી.
આયર્લેન્ડની રાજધાની ડબ્લિનના ૮૯ ટકા લોકોએ વિદેશીઓને આવકાર્યા છે. કદાચ તમને ડબ્લિન વિદેશીને સૌથી વધુ આવકારતું શહેર લાગે, પરંતુ આ માન રોમાનિયાના ક્લુજ શહેરને જાય છે, જ્યાં ૯૧ ટકા લોકોએ તેમના શહેર માટે વિદેશીઓની હાજરીને સારી ગણાવી હતી. બીજા ક્રમે ડેનમાર્કનું કોપનહેગન (૯૦ ટકા), જ્યારે ત્રીજા સ્થાને ડબ્લિન સાથે ક્રોએશિયાનું ઝાગરેબ, આઈસલેન્ડનું રેક્યાવિક અને લક્ઝમબર્ગનું લક્ઝમબર્ગ સિટી આવે છે.
ગ્રીસની રાજધાની એથેન્સ માટે વિદેશીઓ સૌથી અણગમતા છે, જ્યાં માત્ર ૪૧ ટકાએ વિદેશીઓની હાજરીને સારી ગણાવી હતી. તુર્કીના ઈસ્તંબૂલ (૪૩ ટકા), ઈટાલીના ટોરિનો (૪૪ ટકા), તુર્કીના અંકારા (૪૫ ટકા), ઈટાલીના રોમ (૪૭ ટકા), ઈટાલીના બોલોના (૪૮ ટકા), લોકોએ વિદેશીઓને આવકારપાત્ર ગણાવ્યા હતા.
વિદેશીઓ સ્થાનિક સમાજમાં સારી રીતે હળીમળી ગયા હતા તેવા પ્રશ્નના ઉત્તરમાં બેલફાસ્ટના માત્ર ૫૪ ટકાએ હકારમાં ઉત્તર આપ્યો હતો. આની સરખામણીએ કાર્ડિફ (૬૮ ટકા), ગ્લાસગો (૬૮ ટકા), ન્યૂકેસલ (૬૬ ટકા), લંડન (૬૫ ટકા) અને માન્ચેસ્ટરમાં (૬૦ ટકા), લોકોનો ઉત્તર હકારાત્મક હતો. આ મુદ્દે ઝાગરેબ પ્રથમ સ્થાને (૭૭ ટકા), બીજા સ્થાને ક્લુજ (૭૩ ટકા) જ્યારે ૭૨ ટકા સાથે હોલેન્ડનું ગ્રોનિન્જન, તુર્કીનું અંતાલ્યા તેમજ ઝ્યુરિચ સંયુક્ત ત્રીજા સ્થાને હતું. અહીં પણ ૨૦ ટકા સાથે એથેન્સ છેલ્લા સ્થાને રહ્યું હતું.