મોસ્કોઃ રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિને મહત્વનો સંકેત આપતા કહ્યું છે કે યુક્રેન સાથે શાંતિ કરાર કરવા તેઓ ત્રીજા કોઈ દેશમાં મળવા તૈયાર છે. તેમણે યુક્રેન સાથેનાં યુદ્ધ સંપૂર્ણપણે ખતમ કરવા તૈયારી દર્શાવી છે. આમ પુતિને પહેલીવાર રશિયાની બહાર કોઈ ત્રીજા દેશમાં મુલાકાત માટે સંભાવના દર્શાવી છે.
વિકટરી ડે પરેડ પછી પુતિને કહ્યું હતું કે તેમણે ક્યારેય યુક્રેનનાં રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાનો ઈનકાર કર્યો નથી. જોકે પુતિને આ મુલાકાત માટે શરત મુકી છે. તેમણે કહ્યું કે ત્રીજા દેશમાં મિટિંગ ત્યારે જ યોજાઈ શકે છે કે જ્યારે બંને દેશો વચ્ચે એક પૂર્ણ અને લાંબા સમય સુધી ચાલે તેવો શાંતિ કરારનો મુસદ્દો તૈયાર થઈ જાય. પુતિને કહ્યું એ આ પ્રકારની મુલાકાત ફક્ત વાતચીત કરવા માટે નહીં પણ કરાર પર હસ્તાક્ષર કરવા માટેની હોવી જોઈએ. જો યુક્રેનનું ડેલિગેશન મળવા માગે તો તેઓ મોસ્કો મળવા આવી શકે છે.


