યુરોપના છ દેશો બેરોજગારી, મોંઘવારી, અભ્યાસ સહિતના વિવિધ મુદ્દે અસંતોષ, આક્રોશ અને આગજનીની લપેટમાં સપડાયા છે. લોકો રસ્તા પર ઊતરી પડ્યા છે અને બેફામ હિંસા-આગજની આચરી રહ્યાા છે. ફ્રાન્સમાં શાળાઓની દુર્દશાથી શરૂ થયેલો વિરોધ દેશવ્યાપી બન્યો છે. સ્પેનમાં આવાસ સંકટ અને રાજકીય મડાગાંઠ વચ્ચે મધ્યસત્ર ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ઈટાલીમાં વિદ્યાર્થીએ શાળાઓમાં અપૂરતી સુવિધાઓના મામલે પ્રદર્શન કર્યું, જ્યારે ગ્રીસમાં મોંઘા ભાડા સામે સંસદ બહાર ટેન્ટ લગાવ્યા છે. બેલ્જિયમમાં શિક્ષણ બજેટ અને પોર્ટુગલમાં વેતન તથા આવાસ અંગે ધરણાં-પ્રદર્શન થઇ રહ્યાા છે.
ફ્રાન્સમાં મોંઘવારી અને નબળી જાહેર સેવાનો વિરોધ
ફ્રાન્સમાં શાળાઓની દુર્દશા પર ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. શનિવાર અને રવિવારે 140 શહેરમાં પ્રદર્શન થયા. 5.5 લાખ લોકો રસ્તા પર ઊતર્યા હતા. ડઝનબંધ જગ્યાએ શાંતિપૂર્ણ માર્ચ વચ્ચે હિંસક જૂથોએ દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ કરી. સરકારી ઇમારતોને નિશાન બનાવી, વાહનોમાં આગ ચાંપી દીધી. વિકેન્ડ દરમિયાન તોફાની ટોળાં બેફામ બન્યા હતા. તોફાનીઓએ સેંકડો સ્ટોર્સમાં લૂંટ ચલાવી હતી અને જાહેર ઈમારતોને નુકસાન પહોંચાડ્યું હતું. અનેક વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારી વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. અત્યાર સુધી 1,800ની અટકાયત કરાઇ છે અને 500 સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. હિંસાની શરૂમાં જ ફ્રાન્સ સરકાર તોફાનીઓ સામે ઘૂંટણીયે પડી ગયાનું ચિત્ર ઉપસ્યું હતું. સરકારે પણ અરાજક્તાની આંધીનો અંદાજ બાંધવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનું સ્વીકાર્યું છે.
મોંઘવારી અને કથળતી જાહેર સેવાના આક્ષેપો સાથે શરૂ થયેલા આંદોલને ફ્રાન્સમાં હિંસાની આગ ફેલાવી છે. હિંસક બનેલા પ્રદર્શનકારોએ અનેક શહેરમાં રમખાણો સાથે આગચંપી અને લૂંટ આચરી ગભરાટ ફેલાવી દીધો છે. વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ હિંસા રોકવા સ્થાનિક સત્તાવાળાઓને સંવેદનશીલ વિસ્તારોમાં કરફ્યુ લાગુ કરવા સૂચના આપી છે અને દેશમાં ઈમરજન્સી લાગુ થવાના સંકેત આપ્યા છે. પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોએ સલામતી વ્યવસ્થામાં નિષ્ફળતાની સમીક્ષા કરવા આદેશ આપ્યા છે.
• વિરોધનું કારણઃ શિક્ષકોની અછત, જર્જરિત ઇમારતો અને ઘટતું શિક્ષણ સ્તર. લોકોની માંગણી છે કે સારું શિક્ષણ, પૂરતું બજેટ અને સંસાધનો મળે. મોંઘવારી અને અસમાનતાથી નારાજ કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાયા છે.
સ્પેનમાં સસ્તા સરકારી આવાસની માગ
યુરોપના આ દેશમાં ઘર ખરીદવું તો દૂર રહ્યું હવે ભાડું ચૂકવવું પણ મુશ્કેલ બની ગયું છે. મેડ્રિડમાં 3 સપ્તાહથી ટેન્ટ લગાવી પ્રદર્શન ચાલી રહ્યા છે તો આ સિવાયના 50 શહેરોમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન જારી છે. મેડ્રિડમાં વરસાદ વચ્ચે રવિવારે 70 હજાર લોકો રસ્તા પર ઊતર્યા હતા. સોલ ચોક પર 3 સપ્તાહથી પ્રદર્શનકારીઓ ટેન્ટ લગાવીને અડગ છે. પ્રચંડ વિરોધ અને જનાક્રોશ વચ્ચે સરકાર આગામી 29 નવેમ્બરે સમયપૂર્વ ચૂંટણીની જાહેરાત કરી ચૂકી છે.
• વિરોધનું કારણઃ જનાક્રોશનું મુખ્ય કારણ છે મકાનોની કિંમતો અને ભાડું આવક કરતાં ઝડપથી વધી રહ્યા છે. લોકો ભાડું નિયંત્રિત કરવા અને સસ્તા સરકારી આવાસની માગ કરી રહ્યા છે.
ઇટાલીમાં મોંઘાદાટ શિક્ષણ સામે આક્રોશ
ઇટાલીમાં મોંઘાઘાટ શિક્ષણ સામે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોમાં રોષ એટલી હદે વધી ગયો કે આંદોલનકારીઓએ શાળાઓ પર કબજો કરી લીધો હતો. લોકોની તીવ્ર નારાજગી છતાં સરકારી સ્તરે કોઇ પગલાં ન લેવાતાં આગામી 30મીએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન અપાયું છે. ફ્રાન્સથી પ્રેરિત થઈને ઇટાલીના વિદ્યાર્થીઓએ રોમ, ટ્યુરિન સહિત અનેક શહેરોમાં શાળા પર કબજો કર્યો છે. શુક્રવારે થયેલા આંદોલનમાં 4 લાખ લોકો રસ્તા પર ઊતર્યા. પોલીસ સાથે ઘર્ષણ થયું. 30 ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઇ છે. મિલાન તેમજ બોલોન્યામાં મોંઘવારી અને લોકોને પડતી હાલાકીનાં વિરોધમાં જેન-ઝી દ્વારા માર્ચ દરમિયાન હિંસા ભડકી હતી. પોલીસે કેથેડ્રલ ચોક ખાતે એકઠા થયેલા દેખાવકારોને વિખેરવા ટીયરગેસના શેલ છોડયા હતા. ઈટાલીના મિલાનમાં તોફાનીઓએ ફુટપાથ પરનાં પથ્થરો ઉખાડીને રેસ્ટોરાં, કેફેની ખુરશીઓને આગ ચાંપી હતી અને પોલીસ પર તીક્ષ્ણ વસ્તુઓ ફેંકવામાં આવી હતી.
• વિરોધનું કારણઃ શિક્ષણ પર અપર્યાપ્ત સરકારી ખર્ચ, જર્જરિત શાળા, મોંઘો અભ્યાસ અને અન્ય ખર્ચથી નારાજગી છે. વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે વધુ મૂડીરોકાણ, શ્રેષ્ઠ સુવિધા ઈચ્છે છે.
આલ્બેનિયા: બેરોજગારી-ભ્રષ્ટાચાર સામે હિંસક વિરોધ
રાજધાની તિરાનાથી લઇને દેશભરમાં મોંઘુ શિક્ષણ - બેરોજગારી સામે વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બન્યું છે. નારાજ વિદ્યાર્થીઓને વડાપ્રધાનના રાજીનામાથી કંઇ ઓછું ખપતું નથી. પ્રદર્શનકારીએ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે તો સામી બાજુ પોલીસ તોફાની વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા ટીયર ગેસના શેલ છોડી રહ્યા છે. અલ્બાનિયામાં દેખાવકારોઓ પીએમ રામાનાં રાજીનામાની માંગણી કરી હતી. પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં મકાનો તેમજ મોંઘવારીનાં વિરોધમાં હજારો લોકોએ રસ્તાઓ પર દેખાવો કર્યા હતા.
• વિરોધનું કારણઃ અભ્યાસના વધતા ખર્ચ અને વિદ્યાર્થીઓ વડાપ્રધાનના રાજીનામાની માગ પર અડગ છે. રોજગારની કમીથી નારાજગી છે. ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો છે.
ગ્રીસ: હોસ્ટેલ સુવિધાની અછત સામે આંદોલન
દેશમાં હોસ્ટેલ સુવિધાની ભારે અછત પ્રવર્તે છે. એક અંદાજ મુજબ 96 ટકા વિદ્યાર્થીઓ હોસ્ટેલ સુવિધાથી વંચિત છે. મોંઘા ભાડા મુદ્દે વિદ્યાર્થીઓ સહિતની જનમેદની સંસદ સામે ધરણાં કરી રહી છે. વિદ્યાર્થીઓ સંસદ સામે ડઝનબંધ ટેન્ટ લગાવી ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નાણા મંત્રાલય બહાર પણ
રેલી યોજાઈ હતી. દાવો તો એવો પણ છે કે 96 ટકા વિદ્યાર્થીને હોસ્ટેલ મળી રહી નથી. આ ઓછું હોય તેમ રૂમનું ભાડું 10 વર્ષમાં ત્રણ ગણું વધી ગયું છે.
• વિરોધનું કારણઃ વિદ્યાર્થીઓનો સમૂહ મફત હોસ્ટેલ, સ્કોલરશિપ અને યુનિવર્સિટીઓ માટે વધુ બજેટની માગ કરી રહ્યો છે.
બેલ્જિયમઃ શિક્ષણ બજેટમાં કાપ મુદ્દે રોષ
દેશના પાટનગર બ્રસેલ્સમાં નારાજ લોકોના ટોળાં ઉમટી રહ્યા છે. શિક્ષણ બજેટમાં કાપ સામે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રેલી યોજીને પોતાની નારાજગીને વાચા આપી હતી. રાજધાનીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હિંસા ભડકી ઉઠી છે. ઉપદ્રવીઓએ બેફામ તોડફોડ કરીને માલમિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પોલીસ તોફાનીઓને વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે અને 150ની અટકાયત પણ કરી છે, પરંતુ વિરોધનો વંટોળ શમવાનું નામ લેતો નથી. અત્યારે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. આગામી 17 નવેમ્બરે વિશાળ પાયા પર ધરણાં-પ્રદર્શન યોજવાનું એલાન અપાયું છે. ફ્રાન્સમાં વિરોધી ઝાળ બેલ્જિયમ અને ઈટાલી સુધી પહોંચી હતી અને ત્યાં પણ જેન - ઝી તેમજ દેખાવકારોએ ભારે તોડફોડ કરીને હિંસા આચરી હતી. લીઝ શહેરમાં શનિવારે હજારો વિદ્યાર્થીઓએ શિક્ષણ ખર્ચમાં વધારો, સ્કુલોમાં ક્લાસરૂમમાં ભીડ, શિક્ષણ સામગ્રીની અછતને મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં પોલીસ સાથેની ઝપાઝપી પછી કેટલાક લોકોને પકડવામાં આવ્યા હતા. બ્રસેલ્સમાં આંદોલનકારીઓ રોષે ભરાયા હતા અને સાર્વજનિક માલમિલકતને નુકસાન પહોંચાડયું હતું. કેટલાક દેખાવકારોએ માસ્ક પહેરીને તેમની ઓળખ છુપાવી હતી. પોલીસે ટીયરગેસ છોડીને તોફાનીઓને ભગાડવાનાં પ્રયાસો કર્યા હતા. ક્યાંક વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવીને લોકોને વિખેરવામાં આવ્યા હતા.
• વિરોધનું કારણઃ વિદ્યાર્થીઓ શિક્ષણ બજેટમાં કાપ અને નબળી જાહેર સેવાઓથી નારાજ છે.


