ફ્રાન્સના સ્ટ્રોસબર્ગ શહેરમાં આવેલી યુરોપિયન સંસદ પાસે યુએસ પ્રમુખ ટ્રમ્પનું એક એવું વિવાદાસ્પદ સ્ટેચ્યૂ લગાવાયું છે જેણે સોશિયલ મીડિયાથી માંડીને રાજકીય વર્તુળોનું ધ્યાન ખેંચ્યું છે. તેને 23 કેરેટ સોનાનો ઢોળ ચડાવાયો છે અને ‘ધ ઓરેન્જ પ્લેગ’ નામ અપાયું છે. ડેનમાર્કના શિલ્પકાર જેન્સ ગાલ્શિયોટે લગભગ આઠ ફુટનું આ સ્ટેચ્યૂ તૈયાર કર્યું છે. જેમાં ટ્રમ્પને સંપૂર્ણપણે નગ્ન દેખાડવામાં આવ્યા છે. તેમના હાથમાં ગોલ્ફ ક્લબ અને બીજા હાથમાં ન્યાયનું ત્રાજવું છે. ટ્રમ્પને એક ખૂબ દૂબળીપાતળી અને થાકેલી વ્યક્તિના ખભા પર બેસાડાયેલા દેખાડાયા અને તેની નીચે પૃથ્વીના ગોળા જેવી આકૃતિ બનાવાઇ છે.


