રશિયાની સેના છેલ્લા કેટલાય મહિનાઓથી યૂક્રેન સરહદે મોરચો માંડીને બેઠી છે અને બંને વચ્ચે યુદ્ધની આશંકા મંડરાઇ રહી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વીય યૂક્રેનના બે વિસ્તારોને આઝાદ ક્ષેત્ર તરીકે માન્યતા આપીને દુનિયાની ચિંતા વધારી દીધી છે.
સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બળવાખોરોનું વર્ચસ ધરાવતા પૂર્વીય યૂક્રેનના બે વિસ્તારોને આઝાદ ક્ષેત્ર તરીકે માન્યતા આપીને દુનિયાની ચિંતા વધારી દીધી હતી. પુતિને પૂર્વીય યૂક્રેનના બે વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે. વ્લાદિમીર પુતિને આ વિસ્તારોમાં રશિયન સૈનિકોને જવાનો આદેશ પણ આપ્યો છે.
બીજી તરફ, પશ્ચિમી દેશો તરફથી આ નિર્ણયને લઈને કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકાએ રશિયા કેટલાક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. જોકે જીદે ચઢેલું રશિયા યૂક્રેન મામલે નમતું જોખવાના મૂડમાં નથી.
આ બે વિસ્તારો કયા છે?
દોનેત્સ્ક અને લુહાન્સ્ક. આ બન્ને વિસ્તારોમાં રશિયાના સમર્થક અલગતાવાદીઓની બહુમતી છે, જેઓ ૨૦૧૪થી યૂક્રેનની સેના સામે લડી રહ્યા છે. રશિયા નજીક પૂર્વીય યૂક્રેનની સરહદ પાસે આ બે વિસ્તારો લોકો દ્વારા સ્વઘોષિત ગણતંત્રો દોનેત્સ્ક અને લુહાન્સ્ક આવેલા છે.
બંને વિસ્તારોમાં રશિયાના સમર્થક અલગતાવાદીઓની પ્રચંડ બહુમતી છે જેઓ ૨૦૧૪થી યૂક્રેનની સેના સામે લડી રહ્યા છે. જોકે, દોનેત્સ્ક અને લુહાન્સ્કના વિસ્તારોમાં મોટા ભાગની જગ્યાઓ પર યૂક્રેનનું નિયંત્રણ છે.
પુતિનની ચાણક્ય ચાલથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી જવા પાછળનું મુખ્ય કારણ છે બંને દેશોનો ઇતિહાસ. પુતિને સોમવારે કહ્યું હતું, ‘યૂક્રેન એક અલગ દેશ હોય તેવો કોઈ ઇતિહાસ નથી અને આધુનિક યૂક્રેનનું જે સ્વરૂપ છે, તે રશિયાએ બનાવેલું છે.’


