યોશિહિદે સુગા જાપાનના નવા વડા પ્રધાન બનશે

Wednesday 16th September 2020 08:18 EDT
 

ટોક્યોઃ જાપાનમાં યોશિહિદે સુગા સોમવારે શાસક પક્ષના નવા વડાપદે ચૂંટાઇ આવ્યા હતા. સંસદમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી બહુમતી ધરાવતી હોવાથી સુગા વડા પ્રધાન બની રહેશે તે નિશ્ચિત છે. સંસદમાં મતદાનમાં તેઓ જીતીને દેશના નવા વડા પ્રધાન બનશે. વડા પ્રધાન શિન્જો આબેના અનુગામીને ચૂંટી કાઢવા શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં થયેલા મતદાન દરમિયાન સુગાને ૩૭૭ મત મળ્યા હતા તો પ્રતિસ્પર્ધી ઉમેદવારને ૧૫૭ મત મળ્યા હતા.
શિન્જો આબેએ ગયા મહિને આરોગ્યના કારણોસર પદ પરથી રાજીનામું આપ્યું હતું. વર્તમાન સરકારમાં સુગા કેબિનેટ સચિવપદ સંભાળી રહ્યા હતા અને તેઓ શિન્જો આબેના નિકટ ગણાય છે. પક્ષના વડાપદે ચૂંટાયા પછી યોશિહિદે સુગાએ જણાવ્યું હતું કે, કોરોના સામે લડત આપીને અર્થતંત્રને પાટા પર લાવવાની તેમની ટોચની અગ્રીમતા રહેશે. જાપાનની વર્તમાન સરકારનો કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીનો છે. યોશિહિદે સુગા ત્યાં સુધી જાપાનનું વડા પ્રધાનપદ સંભાળશે. તેઓ ૭૧ વર્ષની વય ધરાવે છે. યોશિહિદે સુગા એક ખેડૂતપુત્ર છે. તેમના પિતા સ્ટ્રોબરીની ખેતી કરતા હતા. સુગાનો જન્મ જાપાનના અકિતામાં થયો હતો. જીવનનિર્વાહ માટે તેમને કાર્ડબોર્ડ ફેક્ટરીમાં નોકરી કરવી પડી હતી તો ક્યારેક માછલી બજારમાં માછલી વેચવી પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter