રશિયન પ્રમુખ પુતિને ૧૭,૬૯૧ ચો.મી. વિસ્તારમાં ૧૦૦ બિલિયન રૂબલના ખર્ચે ગુપ્ત મહેલ બનાવ્યો

Wednesday 26th January 2022 07:05 EST
 
 

લંડન: રાજનેતાઓ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે. વિશ્વમાં એક પણ દેશ એવો નથી હોતો જેના સત્તાધીશ પર ભ્રષ્ટાચારના આરોપ ન મૂકાયા હોય. રશિયામાં છેલ્લા કેટલાક દાયકાથી સત્તારૂઢ એવા વ્લાદિમીર પુતિન પર પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મૂકાતા આવ્યા છે. રશિયામાં પુતિનના કટ્ટર ટીકાકાર અને એક્ટિવિસ્ટ એલેક્ઝી નવલ્ની પુતિન પર ભ્રષ્ટાચારના આરોપો માટે હાલ જેલમાં સબડી રહ્યાં છે. તેમણે આરોપ મૂક્યો હતો કે પુતિન અબજો ડોલરના ખર્ચે પોતાના માટે એક અત્યંત લક્ઝુરિયસ મહેલનું નિર્માણ કરી રહ્યા છે. તેમના નેજા હેઠળ કામ કરતા એન્ટી કરપ્શન ફાઉન્ડેશને એક વર્ષ પહેલાં આ પ્રકારના મહેલનું નિર્માણ ચાલી રહ્યું હોવાના આરોપ મૂક્યા હતા. હવે આ જ સંગઠને પુતિનના લગભગ તૈયાર થવા આવેલા મહેલની સેંકડો તસવીરો જારી કરી છે.
જાન્યુઆરી ૨૦૨૧માં એન્ટી કરપ્શન ફાઉન્ડેશને આરોપ મૂક્યો હતો કે વર્ષ ૨૦૧૪થી પુતિનના ગુપ્ત મહેલનું નિર્માણ ચાલી રહ્યું છે. લગભગ ૧૭,૬૯૧ ચોરસ મીટરના વિસ્તારમાં બંધાઇ રહેલા આ મહેલ પાછળ અત્યાર સુધીમાં ૧૦૦ અબજ રૂબલ એટલે કે ૧.૩ અબજ અમેરિકન ડોલર ખર્ચાઇ ચૂક્યાં છે. ફાઉન્ડેશનનો આરોપ છે કે કાળા સમુદ્રમાં ગેલેન્ડઝિક નજીક નિર્માણ થઇ રહેલા આ મહેલ માટેના નાણા કરપ્શન સ્કીમ દ્વારા આવી કહ્યાં છે. આ કરપ્શન સ્કીમમાં પુતિનના અઁતરંગ વર્તૃળમાં રહેલા નેતાઓ અને અધિકારીઓ દ્વારા પોતાનું સ્થાન બચાવી રાખવા નાણા ઠાલવવામાં આવે છે.
ક્રેમલિને ગુપ્ત મહેલના આરોપ નકારી કાઢ્યા હતા
જાન્યુઆરી ૨૦૨૧માં મૂકાયેલા આરોપોને નકારી કાઢતાં તે સમયે ક્રેમલિને જણાવ્યું હતું કે, આ અત્યંત પાયાવિહોણા આરોપો છે. આ પ્રકારનો કોઇ મહેલ બની રહ્યો નથી. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, આ પ્રકારના આરોપો મૂર્ખતાપૂર્ણ અને બેજવાબદાર છે.
આ મહેલ રશિયામાં એક અલગ દેશ જેવો છે – નવલ્ની
ગયા વર્ષે રશિયા પરત આવેલા નવલ્નીએ તે સમયે આરોપ મૂક્યો હતો કે આ મહેલ રશિયામાં એક અલગ દેશ જેવો છે. તેમાં એકમાત્ર ઝાર પુતિનનું શાસન ચાલે છે.
આ મહેલ ચુસ્ત સુરક્ષા વાડોથી ઘેરાયેલો છે. તેને નો ફ્લાય ઝોન અને બોર્ડર ચેક પોઇન્ટથી સુરક્ષિત બનાવવામં આવ્યો છે. મહેલના વિસ્તારમાં એક બંદરનું નિર્માણ કરાયું છે. મહેલ પરિસરમાં એક ચર્ચ, વાઇન કેવ, થિયેટર, જિમ, સ્વિમિંગ પૂલ, આઇસ હોકી રિન્ક સહિતની સુવિધાઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter