રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદ્યા પછી હવે ભારતે ખાતર માટે સોદો કર્યો

Sunday 12th June 2022 13:16 EDT
 
 

નવી દિલ્હી: યુક્રેન પર હુમલાને કારણે અમેરિકા, બ્રિટન પછી યુરોપીયન યુનિયને રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે. આ સાથે અમેરિકાએ વિશ્વના અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવા અંગે ચેતવણી પણ આપી છે. જોકે, અમેરિકાની આ ધમકીઓ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યું છે અને હવે ભારતે રશિયા પાસેથી ખાતરની ખરીદી માટે પણ સોદો કર્યો હોવાના અહેવાલ છે. બીજી બાજુ, ક્રૂડની આયાત પર જંગી કાપ મૂકી રશિયાને ફટકો પહોંચાડવાના યુરોપના નિર્ણય પછી વિદેશ પ્રધાન જયશંકર પૂર્વીય યુરોપના પ્રવાસે પહોંચ્યા છે.
લાંબા ગાળા માટેનો સોદો
ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે દુનિયામાં ખાતરના ભાવમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. પરિણામે ભારત જેવા કૃષિ પ્રધાન દેશની સમસ્યાઓ વધી ગઈ છે. વિશ્વમાં રશિયા ખાતરનો મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ પ્રતિબંધોના કારણે હવે તે વિશ્વમાં ખાતરનું વેચાણ કરવા સક્ષમ નથી. જોકે, પશ્ચિમી દેશોના પ્રતિબંધો વચ્ચે ભારતે રશિયા પાસેથી અનેક વર્ષો સુધી ખાતરનો પૂરવઠો મળી રહે તે માટે એક મોટા સોદાને અંતિમ ઓપ આપ્યો હોવાના અહેવાલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ યુક્રેન પર હુમલાના કારણે મૂકાયેલા પ્રતિબંધોને પગલે રશિયા ડોલરમાં વેપાર કરી શકતું નથી. વધુમાં રશિયા સાથે વેપાર અંગે અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને ચેતવણી પણ આપી છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના હિતોને અનુરૂપ વિદેશ નીતિ નિશ્ચિત કરશે. તેની સ્વતંત્ર વિદેશ નીતિના ભાગરૂપે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી છે. તેમ છતાં ભારતની ક્રૂડની ખરીદી પશ્ચિમી દેશો કરતાં હજુ ઘણી ઓછી છે.
રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલ પછી હવે ભારતે ખાતરની ખરીદી માટે સોદો કર્યો છે. આ સોદાની વાટાઘાટો ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. ખાતરની કિંમતો ઘટાડવા માટે ભારતે રશિયન સરકાર સાથે લાંબા સમયનો સોદો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter