રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા

Wednesday 01st July 2026 06:27 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધ માટે એક શાંતિ યોજના રજૂ કરી હતી. તેઓ તેમાં ભારતીય સૈનિકોને સમાવવાનું આયોજન ધરાવતા હતા. વાન્સે જાન્યુઆરી 2025માં ઓવલ ઓફિસ મીટિંગમાં ટ્રમ્પની સમક્ષ આ સૂચન કર્યું હતું. આ સૂચનને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહીને ફગાવી
દીધું હતું કે ભારતીય નેતૃત્વ ક્યારેય આ માટે રાજી નહીં થાય.
આ બેઠક ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના 10 દિવસ પછી 30 જાન્યુઆરીના રોજ થઈ હતી. તેનો ખુલાસો હાલમાં છપાયેલા પુસ્તક ‘રિજિમ ચેન્જ’માં થયો છે. મેગી હેબરમેન અને જોનાથન સ્વાને લખેલા આ પુસ્તક ‘રિજિમ ચેન્જ: ઇનસાઇડ ધ ઇમ્પીરિયલ પ્રેસિડન્સી ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ’ નામનું પુસ્તક મંગળવારે બજારમાં આવ્યું છે.
આ પુસ્તકમાં કહેવાયું છે કે અમેરિકન લશ્કરના નિવૃત્ત જનરલ લેફ્ટનન્ટ જનરલ કીથ કેલોગે 30 જાન્યુઆરી 2025ના રોજ ઓવલ ઓફિસમાં બેઠક કરી હતી. ટ્રમ્પે કેલોગને રશિયા-યુક્રેન માટે ખાસ દૂત તરીકે નીમ્યા હતા. આ બેઠકનો હેતુ તે નક્કી કરવાનો હતો કે યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં અમેરિકાની શું ભૂમિકા હોવી જોઈએ. આ બેઠકમાં ટ્રમ્પ ઉપરાંત જે.ડી. વાન્સ, વિદેશપ્રધાન માર્ક રુબિયો, સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ, વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર, અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને નાણાપ્રધાન સ્કોટ બેસન્ટ સામેલ હતા. આ દરમિયાન શાંતિ સ્થાપવા માટે લેફટનન્ટ જનરલ કેલોગે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પ્રસ્તાવમાં કહેવાયું હતું કે અમેરિકા ક્યારેય રશિયાના કબજા હેઠળના યુક્રેનના વિસ્તારો પર રશિયન દાવાને માન્યતા નહીં આપે, પરંતુ તેની સાથે એમ પણ કહેવાયું હતું કે યુક્રેન લશ્કરી કાર્યવાહી દ્વારા તેને મેળવવાનો પ્રયત્ન નહીં કરે. આ યોજનામાં યુદ્ધવિરામ પર નજર રાખવા ફ્રાન્સ, બ્રિટન અને હોલેન્ડની શાંતિ સેના યુક્રેનમાં ગોઠવવાની વાત હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter