રશિયાને યૂક્રેન યુદ્ધમાં રોજનો ૧૫ બિલિયન ડોલરનો ખર્ચ

Friday 04th March 2022 05:36 EST
 
 

મોસ્કોઃ રશિયાએ યૂક્રેન સામે જંગ તો છેડ્યો છે, પરંતુ તે તેના વ્યૂહ અનુસાર આગળ ધપી રહ્યું નથી. ક્રેમલિનને તેમાં તેનો વધુ પડતો આત્મવિશ્વાસ અને વ્યૂહાત્મક આયોજનની ગેરહાજરી નડી રહી છે. યૂક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને રોજનો ૧૫ બિલિયન ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે. આ સંજોગોમાં એસ્ટોનિયન નિષ્ણાતનું કહેવું છે કે જો યૂક્રેન બીજા દસ દિવસ ખેંચી ગયું તો રશિયા માટે રોકડ અને શસ્ત્રો બંને ખૂટી પડશે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું છે કે યૂક્રેનનું લશ્કર દેશને બચાવવા જીવ પર આવી ગયું છે. તેના લીધે રશિયનોની બધી ગણતરી ઊંધી પડી રહી છે. યૂક્રેન રાજધાની કીવ પરના હુમલાને ખાળવામાં સફળ રહ્યું હતું. એસ્ટોનિયાના ભૂતપૂર્વ ડીફેન્સ ચીફ રિહો તેરાસનો દાવો છે કે રશિયા પાસે નાણાં અને શસ્ત્રો બંને ઝડપથી ખતમ થઈ રહ્યા છે. જો કીવ બીજા દસ દિવસ ટકી ગયું તો રશિયા ઝેલેનસ્કી સાથે વાટાઘાટ કરવી પડે તેવી સ્થિતિ આવી શકે છે. તેઓની પાસે બહુ-બહુ તો ત્રણથી ચાર દિવસ ચાલે તેટલા રોકેટ છે. તેમણે દાવો કર્યો હતો કે પુતિનના પ્લાનનો આધાર યૂક્રેનને ડરાવવાનો, રહેણાક વિસ્તારો પર સમયાંતરે મિસાઇલો છોડીને લોકોને પજવણી કરવાનો છે, જેથી લોકો ડરીને ભાગવા માંડે, યૂક્રેન લશ્કરના સૈનિકો પણ નાસી છૂટે. આમ થતાં જ યૂક્રેન શરણાગતિ સ્વીકારી લેશે અને ઝેલેન્સ્કી યુરોપની ફ્લાઇટ પકડી લેશે. જોકે આમાંનું કશું થઈ રહ્યું નથી. તેથી રશિયાએ યૂક્રેન પર બધી દિશાએથી હુમલો કરવાના આદેશ આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter