મોસ્કોઃ રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવેલનીની ધરપકડના વિરોધમાં રશિયામાં ૧૦૯ શહેરોમાં કડકડતી ઠંડીમાં પણ દેખાવો થઈ રહ્યા છે. ‘રશિયા આઝાદ થશે,’ ‘પુતિન ચોર છે.’ જેવા પોસ્ટર લઇને માર્ગો પર ઊતરેલા લોકોની માગ છે કે નવેલનીને મુક્ત કરો. પોલીસે આશરે ૩૫૦૦થી વધુ દેખાવકારોની રવિવારે જ ધરપકડ કરી જેમાં નવેલનીની પત્ની, પ્રવક્તા અને વકીલ સામેલ છે. એલેક્સીની છેલ્લા પાંચ મહિનાથી જર્મનીમાં સારવાર ચાલી રહી હતી. તેમણે રશિયન સરકાર પર પોતાને ઝેર આપવાનો આરોપ મૂકયો હતો. રશિયન અધિકારીઓ અનુસાર, નવેલનીએ જર્મની પ્રવાસ કરી એક ક્રિમિનલ કેસમાં મુક્તિની શરતોનો ભંગ કરતાં તેમની ધરપકડ થઈ છે.