રોબોટ્સની ‘આત્મહત્યા’ એક પછી એક આગમાં કૂદ્યા

Friday 06th November 2026 04:17 EST
 
 

વોશિંગ્ટનઃ આજકાલ અદ્યતન એઆઈ અને રોબોટિક્સ ટેક્નોલોજી માનવ નોકરીઓ માટે ખતરાજનક મનાય છે, પરંતુ તાજેતરમાં રોબોટ્સના ખુદના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે. અમેરિકાની હ્યુમનોઇડ રોબોટ નિર્માતા કંપની ‘ફિગર એઆઈ’એ તેના ‘એફ.02’ મોડેલના આખા કાફલાને ધગધગતા પીગળેલા લોખંડની ભઠ્ઠીમાં કૂદીને નાશ પામવાનો આદેશ આપ્યો હતો.
આ રોબોટ્સ છેલ્લા બે વર્ષથી બીએમડબ્લ્યુ કંપનીની ફેક્ટરીઓમાં કાર બનાવવાનું કામ કરતા હતા. નવું અદ્યતન મોડેલ આવતાં આ જૂના રોબોટ્સને નિવૃત્ત કરવા જરૂરી બન્યા હતા. બીજી તરફ, તેનો કોઇ રીતે નિકાલ કરવાથી કે કચરામાં ફેંકવાથી ટેક્નોલોજી ચોરી થવાનું જોખમ હતું.
છેવટે આ સમસ્યાના ઉકેલ માટે સીઈઓ બ્રેટ એડકોકે સોશિયલ મીડિયા પર સલાહ માગી. કોઇએ આ રોબોટ્સને હોલિવૂડ ફિલ્મ ‘ટર્મિનેટર 2’ના સીનથી પ્રેરિત થઈને રોબોટ્સને પીગળાવી દેવાની સલાહ આપી. જોકે તેમાં રહેલી લિથિયમ-આયન બેટરીના જોખમને લીધે આવું કરવા અમેરિકામાં મંજૂરી ન મળતાં, આ રોબોટ્સને ફિનલેન્ડ મોકલાયા હતા. ત્યાં રોબોટ્સે ઓટો-મોડ પર ભડભડતી ભઠ્ઠીમાં છલાંગ લગાવી હતી.
ઉલ્લેખનીય છે કે રોબોટ્સ દ્વારા ‘આત્મહત્યા’ કરવાની ઘટનાઓ અવારનવાર ચર્ચામાં રહે છે. 2017માં વોશિંગ્ટન ડીસીમાં ‘સ્ટીવ’ નામનો સિક્યોરિટી રોબોટ પોતે જ એક ફુવારામાં પડી ગયો હતો, જેને લોકોએ આત્મહત્યા ગણાવી હતી. આ જ રીતે, વર્ષ 2024માં દક્ષિણ કોરિયાના એક સરકારી વિભાગમાં કામ કરતો એઆઈ રોબોટ સીડીઓ પરથી નીચે પડેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે, તપાસ બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ આત્મહત્યા નહોતી, પરંતુ માત્ર ટેકનિકલ ખામીના કારણે સર્જાયેલી દૂર્ઘટનાઓ હતી. રોબોટ્સમાં લાગણીઓ ન હોવાથી
તેઓ આવી આત્મઘાતી પ્રવૃત્તિ જાણી જોઈને કરી શકતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter