કેનેડાના ઓટ્ટાવાની વતની રોરી વેનની વય ફક્ત આઠ વર્ષ છે. દેખાવમાં તે સામાન્ય બાળકી જેવી છે. અને ખાણી-પીણી પણ સામાન્ય છે, પરંતુ તેણે નાની વયે દુનિયામાં આગવી ઓળખ ઉભી કરી છે. આકરી મહેનત અને ટ્રેનિંગથી તે દુનિયાની સૌથી મજબૂત બાળકી બની છે. રોરી તેના વજન કરતાં બમણું એટલે કે ૮૦ કિલો વજન ઊંચકી શકે છે. રોરી વેઈટલિફ્ટિંગમાં યુએસએ અંડર-૧૧ અને અંડર-૧૩ એમ બે વખત યૂથ નેશનલ ચેમ્પિયન બની ચૂકી છે. તે અમેરિકાના ઈતિહાસની સૌથી નાની વયની નેશનલ ચેમ્પિયન છે. તેણે રાષ્ટ્રીય સ્તરે પહેલી સફળતા ૨૦૧૯માં માત્ર છ વર્ષની વયે મેળવી હતી. બસ, ત્યારથી અત્યાર સુધીમાં તે અનેક સ્પર્ધા જીતી ચૂકી છે. રોરી કહે છે કે આમાં કંઇ આશ્ચર્યજનક નથી. હું ધીમે ધીમે ૨૦-૨૦ ગ્રામ વજન વધારતી હતી, ત્યારે જઈને ૮૦ કિલો વજન ઊંચકવાની તાકાત પ્રાપ્ત કરી... બસ જે પ્રયાસ કર્યા તે દરરોજ કર્યા, નિયમિત કર્યા. રોરીએ નાની વયે મેળવેલી ‘મજબૂત’ સફળતાની વાત તેના જ શબ્દોમાં...ઃ
‘હું પાંચ વર્ષની વયથી વેઇટલિફ્ટિંગ કરી રહી છું. મેં પિતા સાથે ડીલ કરી હતી કે જ્યારે પણ હું મારી પાસે છે એ વજન ઊંચકવા લાગું ત્યારે તેઓ મને નવા ડંબેલ્સ અને બાર બેલ લાવી આપશે. દરરોજ મેં મારી ક્ષમતા વધારવા પ્રયાસ કર્યો. બન્ને બાજુ માત્ર ૨૦-૨૦ ગ્રામ વજન વધારતી હતી તો પણ મોટી સિદ્ધિ લાગતી હતી. ૬ વર્ષની થતાં થતા઼ હું શરીરના વજનથી ત્રણ ગણું વજન ઊંચકવા લાગી હતી. પિત્ઝા મને પસંદ છે. ચોકલેટ બહુ ખાઉં છું. બસ એટલું ધ્યાન રાખું છું કે મારા શરીરને પ્રોટીન મળતું રહે કેમ કે હું ઝડપથી મોટી થઇ રહી છું. મને ક્યારેય ડાયેટ કન્ટ્રોલની જરૂર નથી પડતી. અઠવાડિયે ૪ કલાક વેઇટલિફ્ટિંગ, નવ કલાક જિમ્નાસ્ટિકની પ્રેક્ટિસ કરું છું...
યુ-ટ્યૂબ પર ટીમ યુએસની વેઇટલિફ્ટર ક્રિસ્ટિન પોપનો વીડિયો નિહાળ્યા પછી મને વેઇટલિફ્ટિંગનો ચસ્કો લાગ્યો. મારા પેરેન્ટ્સ કોઈ સ્પોર્ટ્સ રમતા નથી, ભાઈને મ્યુઝિકનો શોખ છે. સ્ટ્રેન્થ સ્પોર્ટ્સમાં હું ભારતની વેઇટલિફ્ટર મીના કુમારીથી પ્રભાવિત છું. તેનાથી મને ઘણી પ્રેરણા મળી છે. હું પાવરલિફ્ટિંગ પણ શરૂ કરીશ. જ્યારે સ્કૂલો ચાલુ હતી ત્યારે પણ હું હોમવર્ક તો પ્રેક્ટિસ પર આવતી-જતી વખતે સફરમાં કરી લેતી હતી.’