ટોકિયોઃ જાપાનનો રોલરકોસ્ટર બ્રીજ સૌથી વધુ ઉંચો ઢાળ ધરાવતો વિશ્વનો અનોખો બ્રીજ છે જે વાહનોનાં ડ્રાઈવરને રોમાંચ સાથે ભયનો બેવડો અનેરો અનુભવ કરાવે છે. આ પુલ પરથી પસાર થતા ડ્રાઈવરોનાં શરીરમાંથી એક વખત તો ભયનું લખલખું પસાર થઈ જાય છે. આ બ્રીજ જોઈને કેટલાય ડ્રાઈવરોનાં મોતિયા મરી જાય છે.
જાપાનનો આ અઘરા ચઢાણવાળો પુલ એશિમા ઓહાશી પુલ તરીકે ઓળખાય છે જે શિમાને પ્રાંતનાં માત્સુએને તોત્તોરી પ્રાંતનાં સકાઈમિનાતો સાથે જોડે છે. આ પુલ 119 મિલિયન પાઉન્ડનાં ખર્ચે બનાવાયો છે. જેનો હજારો લોકો દ્વારા દરરોજ ઉપયોગ કરવામાં આવે છે. મોટા જહાજો નીચેથી સરળતાથી પસાર થઇ શકે તે માટે તેનો કેટલોક હિસ્સો ઉંચો બનાવાયો છે.
આ પ્રકારનો વિશ્વનો આ માત્ર ત્રીજો પુલ છે. જે સામાન્ય રીતે સીધો દેખાય છે પણ તેનો વચલો ઉંચો હિસ્સો ડ્રાઈવરને અસંભવ ચઢાણનો ડરામણો અનુભવ કરાવે છે. આ પુલ 1.1 માઈલ લાંબો છે જે નાકાઉમી સરોવર પર 147 ફુટની ઉંચાઈએ આવેલો છે. આ પુલ પરથી દરરોજ આશરે 14,900થી 15,000 વાહનો પસાર થાય છે.


