યંગુનઃ મ્યાનમારના રેખાઈન પ્રાંતમાં રોહિંગ્યા કટ્ટરપંથીઓએ ગયા વર્ષે સંઘર્ષ દરમિયાન હિન્દુ ગામો પર હુમલો કરીને ત્યાં મહિલાઓ અને બાળકો સહિત ૯૯ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ માહિતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ તરફથી ૨૩મી મેએ જાહેર કરાયેલા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ મુજબ - અરાકાન રોહિંગ્યા સેલવેશન આર્મી (આરસા)ના ગુંડાઓએ ૨૦૧૭ના મધ્યમાં સલામતી દળો પર ડઝનબંધ હુમલા કર્યા.
એક પીડિતે જણાવ્યું કે આરસાના સભ્યોએ ઉત્તરીય મૌંગડાવ ટાઉનશિપમાં સ્થિત એક હિન્દુ ગામ પર હુમલો કરીને મહિલાઓ અને બાળકો સહિત ૬૯ લોકોને કેદ કરી લીધા હતા, જેમાંથી મોટા ભાગનાને પાછળથી મારી નાંખવામાં આવ્યા. એમ્નેસ્ટી મુજબ તે દિવસે બાજુના જ એક બીજા ગામમાં હિન્દુ સમાજ સાથે સંકળાયેલા ૪૬ લોકો લાપતા થઈ ગયા હતા.
૧૮ વર્ષના રાજકુમારે આખી ઘટના જણાવી. તેણે જણાવ્યું કે, નકાબધારી અને રોહિંગ્યા ગામોમાંથી સાદા કપડામાં લોકોએ અનેક લોકોને બંધક બનાવી, આંખે પાટા બાંધી શહેરમાં ફેરવ્યા હતા.
તેણે જણાવ્યું કે આ લોકોએ પુરુષોની કતલ કરી નાંખી. અમને તેમની તરફ નહીં જોવા માટે કહ્યું. તેમની પાસે ચાકુ અને લોખંડના સળિયા હતા. આ હત્યાઓ ૨૫ ઓગસ્ટ, ૨૦૧૭એ કરાઈ હતી. ત્યાર બાદ મ્યાનમાર સેનાએ ત્યાં કડકાઈથી દમનકારી અભિયાન ચલાવ્યું હતું. તેનાથી ત્યાંના અંદાજે ૭ લાખ
રોહિંગ્યા મુસ્લિમોએ પલાયન કરવું પડ્યું હતું.