સેવિલેઃ મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે. આ ઈમારતને નિહાળવા માટે દર વર્ષે 20 લાખથી વધુ પર્યટકો સ્પેન પહોંચે છે.
લાકડાનું માળખું માઇક્રો-લેમિનેટેડ વુડમાંથી બનાવવામાં આવ્યું છે અને તેને હવામાનથી બચાવવા માટે પોલીયુરેથીન કોટિંગ આપવામાં આવ્યું છે. મેટ્રોપોલ પેરાસોલ બનાવવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને ગાણિતિક ગણતરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી એમ કહી શકાય કે ઇમારતનું સમગ્ર માળખું ડિજિટલ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. કમ્પ્યુટર પ્રોગ્રામથી તૈયાર થયેલી ડિઝાઇન ઇમારતને મજબૂત, ટકાઉ અને દેખાવમાં આકર્ષક બનાવે છે. તેની અનોખી ડિઝાઈન અને ટકાઉપણાને કારણે તેને 2012માં રેડ ડોટ ડિઝાઈન એવોર્ડ મળ્યો હતો. ઇમારતની ટેરેસ 5,000 ચોરસ મીટર ફેલાયેલી છે અને 400 મીટર લાંબો સ્કાયવોક પણ છે, મેટ્રોપોલ પેરાસોલનું બાંધકામ 6 જૂન 2005ના રોજ શરૂ થયું હતું. તેનું નિર્માણ 2007 સુધીમાં થવાનું હતું, પરંતુ આર્કિટેક્ટની મૂળ ડિઝાઇનમાં ટેકનિકના પરીક્ષણોનો અભાવ હતો. 2010 સુધીમાં 80 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું હતું. લગભગ છ વર્ષની રાહ જોયા બાદ રૂ. 85 કરોડના ખર્ચે સાકાર થયેલી આ ઇમારતનું 27 માર્ચ 2011ના રોજ મેયર અલ્ફ્રેડો સાંચેઝ મોન્ટે સેરીનના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બસ, ત્યારથી આ ઇમારત સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.