બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે. ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટો ફર્મ પેરાડિગમના નેતૃત્વમાં 1 બિલિયન ડોલરનું ફંડ મેળવ્યા બાદ તેની સ્ટાર્ટઅપ કલ્શીનું વેલ્યુએશન વધ્યું હતું. લારાએ વિશ્વની સૌથી ઉંમરની બિલિયોનેરનો તાજ સ્કેલ એઆઈની લુસી ગો પાસેથી મેળવ્યો છે. લુસી થોડા સમય પહેલા જ પોપ-આઈકોન ટેલર સ્વિફ્ટથી આગળ નીકળી હતી.
લુઆના લોપેઝ લારાની સફર પ્રેરણાદાયક રહી છે. વોલ સ્ટ્રીટમાં તેનું નામ ચર્ચાતું થયું એ પહેલાં તે બ્રાઝિલના રિયોમાં બેલેરિના ડાન્સર હતી. ડાન્સર તરીકે રોજના 13 કલાક કામ કરતી હતી. 2013માં ગ્રેજ્યુએટ થયા બાદ તેણે નવ મહિના સુધી ઓસ્ટ્રિયામાં પ્રોફેશનલ ડાન્સર તરીકે કામ કર્યું હતું. એક સમય આવ્યો જ્યારે તેણે પોતાના પહેલા પ્રેમ ડાન્સને છોડીને વિશ્વની પ્રતિષ્ઠિત એમઆઈટીમાં એડમિશન લીધું.
માત્ર છ વર્ષના સમયગાળામાં 11 બિલિયન ડોલરની સ્ટાર્ટઅપ બનાવીને તેણે ‘અમેરિકન ડ્રીમ’ કોને કહેવાય તે શીખવ્યું છે. તે માર્ક ઝકરબર્ગ, લેરી એલિસન અને લેરી પેજની જેમ જ તેના બિઝનેસ પાર્ટનર તારેક મન્સૂરને કોલેજમાં જ મળી હતી. 2018માં બંનેએ ન્યૂ યોર્ક સિટીમાં ફાઈવ રિંગ્સ કેપિટલમાં સાથે ઈન્ટર્નશિપ કરી હતી. તેમને એક દિવસ ઘરે પાછા ફરતા સમયે પ્રિડ્રિક્શન માર્કેટ બિઝનેસનો આઈડિયા આવ્યો હતો.
તેમનું સ્ટાર્ટઅપ ઈલેક્શન, સ્પોર્ટસ મેચ, અને પોપ કલ્ચરની ઘટનાઓના પરિણામો પર દાવ લગાવવાનો મોકો આપે છે. વેન્ચર કેપિટલ ફર્મ વાય કોમ્બિનેશનના સ્ટાર્ટઅપ એક્સિલરેટરમાં સફળ પીચ બાદ તેમને કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનની મંજૂરી મળી હતી. ત્યારબાદ, તેમની કંપની કલ્શી પહેલી ફેડરલી રેગ્યુલેટેડ પ્રિડ્રિક્શન માર્કેટ પ્લેટફોર્મ બની હતી.


