લેસ્ટરઃ પોલીસ ડિટેક્ટિવ દળે ઓપરેશન કિલો હેઠળ સૌથી મોટા મની લેોન્ડરિંગ અપરાધોમાંના એક ગુનામાં પાંચ વ્યક્તિને ઝડપી લીધા હતા અને તેમને કુલ 35 વર્ષથી વધુ વર્ષ જેલની સજાનો હુકમ કરાયો હતો. અપરાધીઓ જીગર ઘીવાલા (11 વર્ષ 10 મહિના), ભાવિક કોટેચા (8 વર્ષ 6 મહિના), રાજુલ પટેલ (8 વર્ષ), સલીમ સીદાત (4 વર્ષ 9 મહિના), ઈમરાન વાઈદ (2 વર્ષ 2 મહિના) અને ડેવિડ નિકોલસને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલી 10 મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. ઘીવાલા, કોટેચા, રાજુલ પટેલ માટે કંપની ડાયરેક્ટર બનવા સામે પ્રતિબંધ પણ લગાવાયો હતો. અપરાધી જૂથ દ્વારા 2019થી 2021ના ગાળામાં 53 મિલિયન પાઉન્ડથી વધુ રકમનું મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.
ઓપરેશન કિલો 2021માં શરૂ કરાયું હતું જેની તપાસ ચાર વર્ષ સુધી ચાલી હતી. લેસ્ટરમાં પોસ્ટ ઓફિસ નેટવર્ક અને ક્રિપ્ટોકરન્સી મારફત રોકડમાં મની લોન્ડરિંગ બિઝનેસ ચલાવાતો હતો. આ કાર્યવાહીમાં 10 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એક સમયે નાદાર જાહેર કરાયેલો 45 વર્ષીય અપરાધી જીગર ઘીવાલા આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો. તેની સૂચના હેઠળ આખા દેશમાંથી નાણા લેસ્ટરમાં પહોંચતા હતા અને તે મની લોન્ડરિંગ કરતો હતો. તે ક્રિપ્ટો કરન્સી બિઝનેસ સાથે પણ સંકળાયેલો હતો. 50 વર્ષીય રાજુલ પટેલ આખા કૌભાંડમાં જીગર ઘીવાલાનો જમણો હાથ હતો અને મની લોન્ડરિંગ ઓપરેશન પર ધ્યાન રાખતો હતો.
લેસ્ટરનો 49 વર્ષીય બિઝનેસમેન ભાવિક કોટેચા ગુનાઈત સાહસના નાણાની આવકને મની લોન્ડરિંગ કરવા તેની કંપની વ્હાઈટ ટાઈગર ગ્રૂપ લિમિટેડનો ઉપયોગ કરતો હતો. તેણે કંપનીમાં સેંકડો બનાવટી ઈનવોઈસીસ ઇભા કર્યા હતા અને ઘીવાલા વતી કેશ ડિલિવરીનું કામકાજ સંભાળતો હતો. લંડનનો 45 વર્ષીય ઈમરાન વાઈદ તેના સંબંધીઓની મદદથી અપરાધની રકમો લંડનથી લેસ્ટર પહોંચાડતો હતો. 45 વર્ષીય સલીમ સીદાત ભરોસાપાત્ર સભ્ય હતો તથા પટેલ અને ઘીવાલા સાથે મળી ગ્રાઉન્ડ લેવલે કામ કરતો અને પોસ્ટ ઓફિસની શાખાઓમાં નાણાના બંડલ્સ પહોંચાડતો હતો. નોર્થ ઈંગ્લેન્ડથી જે શહેરોમાં નાણાની હેરફેર કરવાની હોય ત્યાં ડિલિવરીમેન તરીકેનું કાર્ય 41 વર્ષીય ડેવિડ નિકોલસના હસ્તક હતું.


