લોકોના દિલ પર રાજ કરે છે ‘રાની’

બાંગ્લાદેશમાં બકરીથી પણ નાની ગાય!

Wednesday 14th July 2021 12:23 EDT
 
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં આજકાલ સહુ કોઇના દિલ રાની નામની ગાય રાજ કરી રહી છે. તેની ચર્ચા કોઈ મોટી હસ્તી માફક થઈ રહી છે. લોકો રાનીને જોવા અને તેની સાથે એક ફોટો પડાવવા માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે. વાત એમ છે કે રાની એક ‘ભુટ્ટી ગાય’ એટલે કે ભૂટાની નસલની ગાય છે, જેની ઉંમર લગભગ બે વર્ષ છે. પરંતુ તેની ઊંચાઈ માત્ર ૫૧ સેન્ટિમિટર છે અને તેનું વજન ૨૮ કિલોગ્રામ છે. નાના કદ અને ક્યૂટ દેખાવના કારણે રાની લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ ગાય હાલમાં જે ફાર્મમાં ઉછરી રહી છે તેના માલિકોનો દાવો છે કે આ ગાય વિશ્વની સૌથી નાની ગાય છે અને અગાઉ કેરળમાં વિશ્વની સૌથી નાની ગાય મણિક્યમ હતી તેનો રેકોર્ડ તેણે તોડ્યો છે. જોકે, ગિનેસ બુક તરફથી હજી તેને સમર્થન મળવાનું બાકી છે. કોરોનાના આકરા પ્રતિબંધ છતાં બાંગ્લાદેશમાં લોકો આ ગાયને જોવા માટે લોકડાઉનના નિયમોને પણ તોડી રહ્યા છે. આ ગાય હાલ સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગઈ છે. સ્થાનિક અને વિદેશી અખબારો તેમના ફોટા છાપી રહ્યા છે.
તેના માલિકોનું કહેવું છે કે આ ગાય વિશ્વમાં સૌથી નાની ગાયથી પણ ૧૦ સેમી નાની છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસોની સંખ્યા અને મોત વિક્રમજનક હોવાના લીધે લોકડાઉન હોવા છતાં ઢાકાથી દક્ષિણ-પશ્ચિમ ૧૯ માઈલ દૂર આવેલા ફાર્મમાં આ ગાયને જોવા લોકો વાહન લઇને પહોંચી રહ્યા છે. જૂન ૨૦૧૪ના ગિનેસ બુકના રેકોર્ડ મુજબ વેચુર બ્રીડની મણિક્યમ ગાય ૬૧ સેમીની ઊંચાઈ ધરાવે છે. જ્યારે રાની ગાય તો બકરીથી પણ નાની છે. ગિનેસ બુકનો રેકોર્ડ નોંધનારા આગામી ત્રણ મહિનામાં આ અંગેનો નિર્ણય આપશે તેમ કહેવાય છે. આ વિસ્તારના ચીફ વેટરનરી અધિકારી સજેદુલ ઈસ્લામનું કહેવું છે કે આ ગાય રાણી જેનેટિક ઈનબ્રીડિંગની પ્રોડક્ટ છે અને હવે તે મોટી થાય તેવી સંભાવના નથી.
રાનીને બાંગ્લાદેશના પાટનગર ઢાકાની નજીક સ્થિત ચારીગ્રામના એક ફાર્મ હાઉસમાં રખાઈ છે. ફાર્મના મેનેજર હસન હોલાદારે રાનીનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોંધાવવા માટે મોકલ્યું છે. તેમનું કહેવું છે કે રાની વિશ્વની સૌથી નાની ગાય છે. રાનીને મળવા પહોંચેલાં એક મહિલા દર્શક, રીના બેગમ કહે છે કે મેં મારા જીવનમાં આવી ગાય ક્યારેય જોઇ નથી.

સેલિબ્રિટી જેવી બોલબાલા
બાંગ્લાદેશમાં રાની આજકાલ એક સેલિબ્રિટી બની ગઈ છે એમ કહો તો પણ તેમાં અતિશ્યોક્તિ નથી. હસન હોલાદાર રાનીને ગત વર્ષે બાંગ્લાદેશના જ નૌગાવ જિલ્લાના એક ફાર્મથી લઈ આવ્યા હતા. તેઓ જણાવે છે કે, ‘રાનીને ચાલવામાં થોડી પરેશાની થાય છે, તેથી ફાર્મમાં તેને અન્ય ગાયોથી અલગ રાખવામાં આવે છે. અમને એ વાતનો ડર હોય છે કે ક્યાંક મોટી ગાયો તેને ઈજા ન પહોંચાડી દે.’
હોલાદાર કહે છે કે ‘તે વધુ ખાતી પણ નથી, તે થોડું ભૂસું જ ખાય છે અને થોડા ચારામાં તો તેનું પેટ ભરાઈ જાય છે. તેને જ્યારે ફેરવવા લઈ જઈએ છીએ તો તે ખુશ હોય છે અને જો કોઈ તેને બંને હાથથી ખોળામાં ઊંચકી લે તો તો ખૂબ જ વધુ ખુશ થઈ જાય છે.’
અત્યાર સુધી ‘વિશ્વની સૌથી નાની ગાય’નું ટાઇટલ મનિકયમ નામની એક ભારતીય ગાયના નામે નોંધાયેલું છે, જેની ઊંચાઈ ૬૧.૧ સેન્ટિમિટર હોવાનું કહેવાય છે.

હવે રાનીના નામે નોંધાશે વિક્રમ?
રાની હવે ‘વિશ્વની સૌથી નાની ગાય’નું ટાઇટલ મેળવવાની સ્પર્ધામાં સામેલ છે. હસન હોલાદારે જણાવ્યું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડની એક ટીમ આ વર્ષે જ રાનીને જોવા માટે પહોંચશે અને તેઓ નક્કી કરશે કે ‘વિશ્વની સૌથી નાની ગાય’નું ટાઇટલ રાનીને આપી શકાશે કે નહીં. જોકે ઇસ્લામિક પર્વ ઈદ આડે હવે અમુક જ અઠવાડિયાં બાકી હોવાના કારણે એક વર્ગ એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યો છે કે રાનીને કુરબાની માટે વેચી તો નહીં દેવામાં આવે ને!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter