દુનિયાના નકશામાં આર્કટિક સર્કલ નજીક નોર્વેનો સ્વાલબાર્ડ ટાપુ આવેલો છે. જેના પર એક નાનું પણ અદભુત સિટી આવેલું છે. તેનું નામ છે, લોન્ગયરબાયેન. આ સિટીમાં માત્ર અઢી હજાર લોકો વસવાટ કરે છે પરંતુ, તેમનું જીવન દુનિયાના કોઈ પણ સિટીથી બિલકુલ અલગ છે. કઇ રીતે?
આ વિસ્તારમાં સૂર્યનું અલગ પરિભ્રમણ જોવા મળે છે. એપ્રિલના અંતથી ઓગસ્ટ સુધી સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી. આ વિચિત્ર સમયને ‘મિડનાઇટ સન’ તરીકે ઓળખવામાં આવે છે. રાતના બાર વાગ્યે પણ આકાશ સોનેરી તેજથી ઝળહળતું રહે છે. લોકો મધરાતે પર્વતો પર ફરવા જાય છે, બોટિંગ કરે છે, બાળકો બહાર રમે છે કારણ કે રાત શબ્દનો અર્થ જ અહીં ખોવાઈ જાય છે. પાંચ મહિનાના ‘અજવાળિયા’ બાદ આવે છે ‘અંધારિયું’. સૂર્યપ્રકાશથી ઝળાહળાં સમયગાળા બાદ ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી પોલર નાઈટ આવે છે. આ ચાર મહિના સુધી સૂર્ય દેખાતો જ નથી. આ મહિનાઓ સુધી સિટી કાળાં આકાશની ચાદર હેઠળ સુતું રહે છે, છતાં જીવન અટકતું નથી. લોકો 24 કલાક લાઈટો ચાલુ રાખે છે. ઓફિસે કામ પર જાય છે, બાળકો શાળાએ અને અંધકાર ધીમે ધીમે જીવનનો ભાગ બની જાય છે.
સ્થાનિકોના મતે, શરૂઆતમાં આ પ્રકારનું મુશ્કેલ જરૂર લાગે છે, પણ પછી અંધકારમાં પણ જીવનનું અજવાળું મળી જાય છે. આ સિટીમાં એક અનોખો નિયમ પણ છે. લોન્ગયરબાયેનમાં દફનવિધી પર પાબંધી છે. તેની પાછળનું કારણ અહીંની સદાય ઠંડી રહેતી જમીન છે, જે મૃતદેહને ક્યારેય સડવા દેતી નથી. આથી મૃતદેહોને અંતિમ વિદાય માટે નોર્વેના અન્ય ભાગોમાં મોકલવામાં આવે છે. સ્વાલબાર્ડના લોકો કહે છે કે, અહીં દિવસ પણ લાંબો છે, રાત પણ લાંબી છે. પરંતુ, જીવનની ગતિ પર ક્યારેય બ્રેક લાગતી નથી. આ સિટી આપણને શીખવે છે કે જીવન પ્રકાશ કે અંધકારમાં નથી. એ તો માણસના મનમાં છે, જે દરેક પરિસ્થિતિમાં જીવી લેવાનું શીખી જાય છે.