વડા પ્રધાન મોદી આફ્રિકાના પ્રવાસેઃ રવાન્ડામાં ભારતીય દૂતાવાસ શરૂ થશે

Wednesday 25th July 2018 09:22 EDT
 
 

નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩મી જુલાઈએ ત્રણ આફ્રિકન દેશની મુલાકાતે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ રવાન્ડાની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યાં છે. મોદી જહોનિસબર્ગમાં યોજાનાર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આફ્રિકા પહોંચ્યા છે. એક અહેવાલ મુજબ મોદીની આફ્રિકામાં ચીનના વડા પ્રધાન શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ ગોઠવાઈ છે.
રવાન્ડા મુલાકાત
મોદી સોમવારે સાંજે રવાન્ડા પહોંચ્યા હતા. રાજધાની કિગાલીમાં રવાન્ડા પ્રેસિડન્ટ પોલ કાગમેએ મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન કાગમે સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી અને યજમાન દેશના રાષ્ટ્રપતિ પોલ કાગ્મેને ૨૦૦ સ્થાનિક ગાયની ભેટ આપી હતી.
બંને નેતાઓની વચ્ચે ખાસ કરીને વેપાર અને કૃષિ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા થઇ હતી. મોદીએ રવાન્ડાના પ્રેસિડન્ટને ૨૦ કરોડ ડોલરની લોન આપવાની રજૂઆત કરી હતી.
રવાન્ડાની મુલાકાત લેનાર પ્રથમ વડા પ્રધાન
આ પ્રથમ અવસર છે કે, જ્યારે ભારતના વડા પ્રધાને રવાન્ડાની મુલાકાત લીધી છે. મોદી આ પૂર્વ આફ્રિકન દેશોની યાત્રા કરનાર પ્રથમ વડા પ્રધાન બની ગયા છે. અહીં પહોંચ્યા બાદ મોદીએ કહ્યું હતું કે, મારા મિત્ર પ્રેસિડન્ટ કાગમેના આમંત્રણથી રવાન્ડાની મુલાકાત લેવી એ મારું સૌભાગ્ય છે. સાંજે બંને દેશોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી.
મીડિયા સાથે વાત કરતાં મોદીએ કહ્યું કે, ભારત અને રવાન્ડાના સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. અમારાં માટે આ ગર્વનો વિષય છે કે, રવાન્ડાના આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં ભારત તમારું સહયોગી રહ્યું છે. તેઓએ કહ્યું કે, ભારત રવાન્ડાની ટ્રેનિંગ, ટેક્નિક, આધારભૂત વિકાસ અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ક્ષેત્રમાં સહયોગ કરતું રહ્યું છે.
૨૦ કરોડ ડોલર લોનની રજૂઆત
મોદીએ રવાન્ડાના પ્રેસિડન્ટ કાગમેની સાથે વિસ્તૃત વાતચીત કરી અને વેપાર અને કૃષિ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. રવાન્ડા માટે ૨૦ કરોડ ડોલર આશરે રૂ. ૧૩૭૮ની લોનની રજૂઆત કરી હતી.
પ્રેસિન્ડ કાગમે સાથે વાતચીત બાદ મોદીએ જાહેરાત કરી કે ભારત ટૂંક સમયમાં રવાન્ડામાં એમ્બેસી ખોલશે. બંને દેશોએ ચામડાં અને તેના સાથે સંબંધિત ક્ષેત્રો અને કૃષિ અનુસંધાનના ક્ષેત્રે સમજૂતી પર હસ્તાક્ષર કર્યાં હતાં. ભારતના અનેક ઔદ્યોગિક પાર્કના વિકાસ અને રવાન્ડામાં કિગાલી વિશેષ આર્થિક ક્ષેત્ર (એસઇઝેડ) માટે ૧૦ કરોડ ડોલર અને કૃષિ માટે ૧૦ કરોડ ડોલરની લોન આપવાની રજૂઆત કરી હતી.
ભારતીય સમુદાયને સંબોધન
મોદીએ રવાન્ડામાં વસતા ભારતીય સમુદાયોને પણ સંબોધિત કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, વિદેશમાં વસતા ભારતીય એનઆરઆઇ નહીં, પરંતુ દેશના રાષ્ટ્રદૂતો છે. મને રવાન્ડામાં વસતા ભારતીય સમુદાય સાથે વાત કરવામાં ઘણી ખુશી થઇ રહી છે. પ્રેસિડન્ટ કાગમેએ મને જણાવ્યું કે, રવાન્ડાના વિકાસમાં ભારતીયોનો મોટો હાથ છે.
મોદી કાગમેની બેઠક
આ બંને નેતાઓએ અંદાજિત અડધા કલાક સુધી મીટિંગ કરી હતી. ત્યારબાદ બંને દેશોની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત થઇ હતી. આ દરમિયાન ડિફેન્સ, એનિમલ રિસોર્સ, ડેરી, ઉદ્યોગ, વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રિયલ, લેધર અને કૃષિ જેવા સેક્ટરમાં સહયોગ કરવાની વાતને લઇને સમજૂતી થઇ હતી.
ભારતે ઔદ્યોગિક પાર્કના વિકાસ અને રવાન્ડામાં કિગાલી વિશેષ આર્થિક ક્ષેત્ર (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) માટે ૧૦ કરોડ ડોલર અને કૃષિ ક્ષેત્ર માટે ૧૦ કરોડ ડોલર આપવાની રજૂઆત કરી.
યુગાન્ડામાં ભવ્ય સ્વાગત
આફ્રિકી દેશોના પાંચ દિવસીય પ્રવાસના બીજા દિવસે ૨૪મીએ મોદી યુગાન્ડા પહોંચ્યા હતા. જ્યાં મોદીનું શાહી સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ મોદી અને યુગાન્ડાના રાષ્ટ્રપતિ યુવેરી મુસેવેની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. એ પછી મોદીના પ્રવાસીય આયોજનમાં યુગાન્ડામાં વસતા ભારતીયોને સંબોધનનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મોદીના પ્રવાસ પહેલાં ચીનના રાષ્ટ્રપતિ પણ રવાન્ડાની મુલાકાતે પહોંચ્યા હતા.
જ્હોનિસબર્ગની મુલાકાત
યુગાન્ડાની મુલાકાત બાદ મોદી દક્ષિણ આફ્રિકા પહોંચશે. જયાં તેઓ જહોનિસબર્ગમાં યોજાનારી ૧૦મી બ્રિકસ શિખર સંમેલનમાં ભાગ લેશે. શિખર સંમેલન દરમિયાન મોદીની બીજા કેટલાક દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ યોજાઇ શકે છે.
સંબંધ વધારે મજબૂત થશે
વિદેશ મંત્રાલયે કરેલા નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે, રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી આફ્રિકા મહાદ્વીપ સાથે આપણો સંબંધ વધારે મજબૂત થશે. ગત કેટલાય વર્ષોથી આફ્રિકી દેશો સાથે વિવિધ ક્ષેત્રે મહત્ત્વના કરાર થયા છે. ગત ચાર વર્ષોમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન આફ્રિકાના કુલ ૨૩ પ્રવાસ કરી ચૂક્યા છે.
સચિવ તિરુમૂર્તિના જણાવ્યા પ્રમાણે ભારત અને યુગાન્ડા વચ્ચે રક્ષા સહયોગ વધારવા માટે ટ્રેનિગ અને ક્ષમતા નિર્માણ ઉપર ધ્યાન આપવામાં આવશે. ઝિંઝોમાં ૨૦૧૦થી ભારતીય સેનાની ટ્રેનિંગ ટીમ તૈનાત છે.
યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેઇ મુસેવેની મુલાકાત અને પ્રતિનિધિ સ્તરીય ચર્ચા પછી મોદી ભારત અને યુગાન્ડાના સંયુક્ત વ્યાપાર કાર્યક્રમમાં ભાગ લેશે. યુગાન્ડાને વીજળી લાઇન અને સબ સ્ટેશન માટે ૧૨.૧ કરોડ ડોલર અને કૃષિ તેમજ ડેરી ઉત્પાદન માટે ૬.૪ કરોડ ડોલર લોન અંગેના કરારો પણ મોદીના યુગાન્ડા પ્રવાસમાં સામેલ હોવાનું વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું.
દક્ષિણ આફ્રિકાની મુલાકાત
મોદી ૨૫મીએ યુગાન્ડાથી દક્ષિણ આફ્રિકા જશે. જ્યાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત મોદી ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાની સત્તા સંભાળનારા રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. બ્રિક્સ નેતાઓ વચ્ચેની ચર્ચાનો વિષય ચોથી ઔધ્યોગિક ક્રાંતિમાં સમાવેશી વિકાસ અને સમાન સમૃદ્ધિ માટે વિકાશીલ દેશોનો સહયોગ રહેશે. બ્રિક્સ સંમેલનમાં આફ્રિકી દેશોના આમંત્રિત સમૂહમાં રવાન્ડા, યુગાન્ડા, ટોગો, ઝાંબિયા, નામિબિયા, સેનેગલ, ગેબન, ઇથોપિયા, અંગોલા અને આફ્રિકન યુનિયર ચેયરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્જેન્ટિના, તુર્કી, ઇન્ડોનેશિયા, જમૈકા અને ઇજીપ્ત દેશોને આમંત્રણ અપાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter