લંડનઃપ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન સામે એકસંપ ઉભા રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે વિવિધ આસ્થા અથવા ધાર્મિક પશ્ચાદભૂ સાથેના 100થી વધુ મહેમાનો સમક્ષ યુકેમાં સામાજિક સંલગ્નતાની પરિસ્થિતિ વિશે ચિંતા કરી સ્વીકાર્યું હતું કે તાજેતરના વર્ષોમાં યુકેમાં વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચેના સંબંધો કસોટીની એરણે ચડ્યા હતા.
પ્રાઈમ મિનિસ્ટરે કહ્યું હતું કે ઈન્ટરફેઈથની કામગીરી કોમ્યુનિટીઓને નિકટ લાવે છે. જોકે, આ પછી તેમણે દેશભરમાં વધી રહેલા રેસિઝમ, વિભાજનો અને ઘૃણા સંબંધિત ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘એક તરફ, દેશમાં દેશદાઝની લહેર ફરી વળી છે અને આખો દેશ એકજૂટ થઈ દરેકને આગળ વધારવા કામ કરી રહ્યો છે. બીજી તરફ, સાચા જીવન અથવા ઓનલાઈન- વધુ વિભાજન, વધુ શોષણ અને વધુ હુમલાઓ જોવા મળે છે. મને પ્રાઈમ મિનિસ્ટર હોવાનો ગર્વ છે, પરંતુ હું આ સમગ્ર દેશની તમામ તાર્કિકતા, તેની વ્યવહારુતા, તેની સહિષ્ણુતા, તેની જીવો અને જીવવા દોની ભાવના અને તેની વૈવિધ્યતા સાથે સેવા કરવા ઈચ્છું છું.’
પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મરે માન્ચેસ્ટરમાં હીટન પાર્ક સિનેગોગ પરના ભયાનક આતંકી હુમલા તેમજ તેમના પર ભયાનકતા અને તેની અસર થયા વિશે વાત કરી હતી. સ્ટાર્મરે એમ પણ કહ્યું હતું કે સ્થાનિક મસ્જિદના સભ્યો સિનેગોગ દોડી ગયા હતા અને પોતે કોઈ મદદ કરી શકે તેમ હતા કે કેમ તેની પૃચ્છા કરી હતી. તેમણે બ્રિટનના લોકોમાં તેમની આસ્થા અથવા સંસ્કૃતિઓને ધ્યાનમાં લીધા વિના એકતા અને ભલાઈ જીવંત હોવાં વિશે પણ જણાવ્યું હતું. તેમણે તમામ આસ્થા અને ધર્મોના લોકોને શોષણ અને હુમલાઓ સામે લડવા અનુરોધ કર્યો હતો. સ્ટાર્મરે પીસહેવન મસ્જિદને નિશાન બનાવતી આગચંપી વિશે પણ વાત કરી જણાવ્યું હતું કે પીસહેવન અને આસપાસના વિસ્તારની કોમ્યુનિટીના લોકો તત્કાળ મદદ માટે દોડી ગયા હતા.
પ્રાઈમ મિનિસ્ટરે ઉપસ્થિત ઈન્ટરફેઈથ કોમ્યુનિટીને સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે આ વિશે તમારી સાથે કામ કરવા ઈચ્છીએ છીએ. આ પાર્ટનરશિપ હોવી જોઈએ. આ કામ માત્ર પ્રાઈમ મિનિસ્ટર કે સરકારથી થઈ શકે નહિ. અમે અમારી ભૂમિકા ભજવીશું, પરંતુ અમે સ્વીકારીએ છીએ કે અમે જાતે જ આ કરી શકીએ તેમ નથી. તમારામાંથી દરેક આમાં કશુંક લાવે છે, અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ. અમે તેને મજબૂત બનાવવા માગીએ છીએ.અમે માનીએ છીએ કે અગાઉ કરતાં પણ આજે તે વધુ મહત્ત્વપૂર્ણ છે.
હિન્દુ, શીખ, જ્યુઈશ, ક્રિશ્ચિયન અને મુસ્લિમ કોમ્યુનિટીઓના સભ્યો રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. બ્રિસ્ટોલ મલ્ટિફેઈથ ફોરમ, નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ (NHSF-UK), ચિન્મય મિશન, યોગ ફાઉન્ડેશન, સિટી શીખ્સ, અવન્તિ સ્કૂલ્સ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ તેમજ કોમ્યુનિટીઝ સેક્રેટરી સ્ટીવ રીડ, ફેઈથ્સ મિનિસ્ટર મિઆટ્ટા ફાહેનબુલ્લેહ, સાંસદો નાઝ શાહ, અફઝલ ખાન અને ગુરિન્દર સિંહ જોસાન સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.


