ઓટાવાઃ એક તરફ અમેરિકાએ વર્ક પરમિટની મુદત પૂરી થયે વિઝાધારકને કોઇ પણ જાતનો ગ્રેસ પિરિયડ આપ્યા વગર સ્વદેશ રવાના કરી દેવા કમર કસી છે ત્યારે બીજી તરફ કેનેડામાં રોજગાર ધરાવતા વિઝાધારકો માટે આનંદના સમાચાર છે. એક અહેવાલ અનુસાર, જેમની વર્ક પરમિટ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અને તેમના નોકરીદાતાએ તેમના માટે ‘લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ’ (એલએમઆઇએ)ની અરજી પહેલાથી જ સબમિટ કરી દીધી છે તેમને હવે વર્ક પરમિટ લંબાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા વધારાના 30 દિવસ મળશે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે ‘ઈન-કેનેડા વર્ક પરમિટ’ વિસ્તારવાની પ્રક્રિયા અંતર્ગત મળતી મુદતને 60 દિવસથી વધારીને 90 દિવસ કરી દીધી છે.
આ નિર્ણયની ભારતીય અને તેમાં પણ ખાસ કરીને પંજાબના યુવાનો પર વિશેષ સકારાત્મક અસર પડશે. કેનેડામાં મોટી સંખ્યામાં પંજાબી યુવાનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અસ્થાયી વર્ક પરમિટ પર નોકરી કરી રહ્યા છે. ઘણા યુવાનો વર્તમાન એમ્પ્લોયર સાથે નોકરી ચાલુ રાખવા માંગે છે અને ભવિષ્યમાં કેનેડામાં પરમેનન્ટ રેસિડેન્સી (PR) મેળવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અગાઉ એલએમઆઇએ પ્રક્રિયામાં થતા વિલંબના કારણે યુવાનો માટે વર્ક પરમિટ પૂર્ણ થવાનું અને નોકરી ગુમાવવાનું જોખમ સતત રહેતું હતું. આમ, નવી વ્યવસ્થા પંજાબી યુવાનો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.


