પર્થઃ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ ગેલેરીમાં કોઈ કલાકાર નથી, પણ દિવાલોથી ટકરાતા અવાજો, કંપન અને ગૂંજથી અલગ જ દુનિયાનું સંગીત રચાઇ રહ્યું છે.
સંગીતનો સ્રોત છે બે નાની સફેદ જેલીફિશ જેવું દેખાતું ‘મિની બ્રેન’ - જે દિવંગત અમેરિકન મ્યુઝિશિયન એલ્વિન લૂસિયરના બ્રેન સેલ્સથી બનાવાયું છે. આ ‘બ્રેન’ હવે રિયલ ટાઈમમાં સંગીત રચી રહ્યું છે. લૂસિયરનું નિધન 2021માં થયું હતું, પરંતુ કલાકારો અને વૈજ્ઞાનિકોની ટીમે પ્રોજેક્ટ રિવાઈવિફિકેશનના માધ્યમથી તેમની રચનાત્મક્તાને જીવંત રાખી છે. પ્રોજેક્ટ માટે 2020માં 89 વર્ષના લૂસિયરનું બ્લ્ડ લેવાયું હતું. તેમાંથી શ્વેત રક્તકણિકાઓ સાચવવામાં આવી. તેને સ્ટેમ સેલ્સમાં પરિવર્તિત કરાઇ. તેનાથી બ્રેન જેવા દેખાતા ન્યૂરોન ક્લસ્ટર બનાવ્યા. તેને ખાસ ઈલેક્ટ્રોડ નેટ પર વિકસિત કરાયા, જેનાથી તેમની ન્યૂરલ એક્ટિવિટી રેકોર્ડ થઈ શકે.
મગજ ચકરાવે ચઢાવી દે તેવો આ પ્રોજેક્ટ કલાકાર નાથન થોમ્પસન, ગાયક બેન-એરી, મૈટ ગિન્ગોલ્ડ અને ન્યૂરો-સાયન્ટિસ્ટ સ્ટુઅર્ટ હોજેટ્સે ડિઝાઈન કર્યો છે. ‘મિની બ્રેન’ને 64 ઈલેક્ટ્રોડ્સવાળી નેટ પર રાખવામાં આવ્યું છે. ગિંગોલ્ડે ઓપન-સોર્સ પ્લેટફોર્મ મોડિફાય કર્યું, જેનાથી ન્યૂરલ એક્ટિવિટી ધ્વનિમાં બદલાઈ શકે. આ રીતે આ બ્રેન લાઈવ પર્ફોમર બની ગયું.
થોમ્પસન જણાવે છે કે ઈન્સ્ટોલેશનમાં પિત્તળની 20 પ્લેટ્સ લગાવી છે. દરેક પ્લેટની પાછળ ટ્રાંસડ્યુસર અને મેલેટ (ઈન્સ્ટ્રુમેન્ટ પર મારવાનો હથોડો) લાગે છે. તે ‘મિની બ્રેન’ના સિગ્નલ્સ પર પ્રતિક્રિયા કરે છે. તેનાથી અનોખી ધ્વનિ ગૂંજે છે. ગેલરીમાં લાગેલા માઈક્રોફોન ગૂંજ રેકોર્ડ કરે છે.