વિદેશથી અમેરિકા જનારા માટે કોવિડ ટેસ્ટ અને ક્વોરન્ટાઇન ફરજિયાત

Tuesday 26th January 2021 11:44 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા, ચીન, બ્રિટન અને ભારત સહિત વિશ્વમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ગયું છે જોકે મંગળવારના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૦૦૪૨૨૮૫૮, કુલ મૃતકાંક ૨૧૫૩૫૯૯ અને કોરોનામાંથી રિકવર થયેલા લોકોની સંખ્યા ૭૨૪૫૬૦૮૩ નોંધાઈ હતી. અમેરિકામાં મંગળવારે કોરોના સંક્રમિતોનો કુલ આંક ૨૫૮૭૦૮૧૪, કુલ મૃતકાંક ૪૩૧૮૧૮ અને કુલ રિકવરી આંક ૧૫૬૨૧૫૮૬ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના સંક્રમણને ટાળવા માટે નવા જો પ્રમુખ બાઈડેને સત્તા સંભાળ્યા પછી યુદ્ધનાં ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યું છે.
બાઈડેન સરકાર દ્વારા અમેરિકામાં વિદેશથી આવનાર લોકો માટે કોવિડ ટેસ્ટ અને ક્વોરેન્ટાઈન ફરજિયાત કરાયાં છે. નવી સરકારે ૧૦૦ દિવસ સુધી લોકોને ફરજિયાત માસ્ક પહેરવા ફરમાન કર્યું છે. બાઈડેને સોમવારે કહ્યું કે, કોરોનાને દેશમાંથી હટાવતા અને હરાવતા મહિનાઓ લાગશે, પણ લોકો સાથે મળીને નિયમોનો અમલ કરશે તો અમેરિકા કોરોનાનાં સંકટમાંથી વહેલી તકે બહાર આવી શકશે.
૧૦૦ દિવસમાં ૫૦ મિલિયન અમેરિકનોને વેક્સિન
વિદેશથી આવનારા લોકોએ જે તે દેશમાંથી વિમાનમાં બેસતા પહેલાં ટેસ્ટ કરાવવો પડશે અને અમેરિકા આવ્યા પછી ક્વોરેન્ટાઈન રહેવું પડશે. બાઈડેન સરકારે ૧૦૦ દિવસમાં ૫૦ મિલિયન અમેરિકનોને ૧૦૦ મિલિયન વેક્સિન ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ચીન પાકિસ્તાનને વેક્સિન આપશે
ચીને તાજેતરમાં જાહેર કર્યું હતું કે, ૩૧ જાન્યુઆરી સુધીમાં કોરોના રસીના પાંચ લાખ ડોઝ પાકિસ્તાનને આપશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ ચીની વિદેશ પ્રધાન વાન્ગ યી સાથેના ફોન પછી વીડિયો સંદેશમાં ઉમેર્યું હતું કે, બિજિંગે રસી લેવા માટે વિમાન મોકલવા પાકિસ્તાનને જણાવ્યું હતું. ચીન રસીનો પ્રથમ જથ્થો પાકિસ્તાનને નિ:શુલ્ક આપશે તેવું પણ પાકિસ્તાને જાહેર કર્યું હતું. ચીન દ્વારા મોકલાનારી આ સાઇનોફાર્મ રસીને પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ માન્ય કરી છે. પાકિસ્તાનને ૧૧ લાખ ડોઝની જરૂર પડશે, જે ચીન ફેબ્રુઆરીના અંત સુધીમાં આપશે.
કેન્સિનો બાયોલોજિક્સ નામની પાકિસ્તાની કંપની દ્વારા બનાવાઇ રહેલી રસીની ટ્રાયલ ચીનના સહકાર સાથે પાકિસ્તાનમાં થઇ રહી છે. પાકિસ્તાને ઇમરજન્સીમાં ઉપયોગ માટે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેન્કા રસીને પણ માન્ય કરી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કોરોના સંક્રમિતોનો આંક મંગળવારે ૫૩૫૯૧૪, કુલ મૃતકાંક ૧૧૩૭૬ અને રિકવરી આંક ૪૯૦૧૨૬ નોંધાયો હતો.

વિવિધ દેશોમાં કોવિશીલ્ડની માગ

ચીની બનાવટની કોવિડ-૧૯ વેક્સિન ખરીદવા ઓફર કરી ચૂકેલા બ્રાઝિલ અને કંબોડિયા સહિતના અનેક દેશો જોકે હવે ચીની વેક્સિનની અસરકારકતા વિષે સવાલ ઊઠતા વેક્સિનનો પુરવઠો મેળવવા ભારત તરફ નજર દોડાવી રહ્યા હોવાના અહેવાલ ૨૪મીએ હતા. નવી દિલ્હીએ પાડોશી સાત દેશોમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડ અને એસ્ટ્રાઝેન્કા વેક્સિનના ૫૦ લાખ ડોઝનો પુરવઠો પહોંચતો કરતાં નવી દિલ્હી સમક્ષ વિવિધ દેશો વેક્સિન પુરવઠો મેળવવા માગણી કરવા લાગ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતે ૨૨મીએ બ્રાઝિલને ૨૦ લાખ વેક્સિન ડોઝનો પુરવઠો રવાના કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter