વિદેશમાં વસતા ભારતીયો દ્વારા નાણાં મેળવવામાં ભારત પ્રથમ ક્રમે

Wednesday 24th April 2019 08:11 EDT
 
 

લંડનઃ વિદેશમાં વસતા ભારતીય સમાજ દ્વારા ૨૦૧૮માં ૭૯ બિલિયન ડોલર સ્વદેશ મોકલવામાં આવતા વિદેશથી નાણાં મેળવવામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે યથાવત રહ્યું છે. ત્યારબાદ ૬૭ બિલિયન ડોલર સાથે ચીન બીજા, ૩૬ બિલિયન ડોલર સાથે મેક્સિકો ત્રીજા, ૩૪ બિલિયન ડોલર સાથે ફિલિપાઈન્સ ચોથા અને ૨૯ બિલિયન ડોલર સાથે ઈજિપ્ત પાંચમા ક્રમે હોવાનું વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવાયું હતું.
‘માઈગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ’ શીર્ષકના અહેવાલ મુજબ નાણાં સ્વદેશ મોકલવાની બાબતે ભારતે તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં નાણાંનો પ્રવાહ વધ્યો હતો. ૨૦૧૬માં ૬૨.૭ બિલિયન ડોલરથી તે વધીને ૨૦૧૭માં ૬૫.૩ બિલિયન ડોલર પર પહોંચ્યો હતો. બેંક દ્વારા જણાવાયું હતું કે આ પ્રકારે નાણાંના પ્રવાહમાં ૧૪ ટકા કરતા વધુનો વધારો થયો હતો.
પાકિસ્તાનનો આ પ્રકારના નાણાંનો સૌથી મોટો સ્રોત સાઉદી અરેબિયા છે. જોકે, તેમાં ભારે ઘટાડાને લીધે પાકિસ્તાનમાં આ નાણાંના પ્રવાહમાં ૭ ટકાનો જ વધારો થયો હતો. બાંગ્લાદેશમાં ૨૦૧૮માં તેમાં ૧૫ ટકાનો વધારો થયો હતો. અહેવાલ મુજબ ૨૦૧૮માં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો દ્વારા નાણાંકીય પ્રવાહ ૫૨૯ બિલિયન ડોલરના વિક્રમજનક સ્તરે પહોંચ્યો હતો. ૨૦૧૭માં અગાઉ ૪૮૩ બિલિયન ડોલરનો વિક્રમ હતો તેમાં ૨૦૧૮માં ૯.૬ ટકાનો વધારો થયો હતો.
નાણાં મોકલવા પાછળનો સરેરાશ વૈશ્વિક ખર્ચ ખૂબ ઉંચો ૨૦૦ ડોલર રહ્યો હોવા વિશે બેંકે દુઃખ વ્યક્ત કર્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) હેઠળ આ ખર્ચને ૨૦૩૦ સુધીમાં ઘટાડીને ૩ ટકા કરવાનું વૈશ્વિક લક્ષ્ય રખાયું છે. ઘણાં આફ્રિકન દેશો અને પેસિફિકના નાના ટાપૂઓ પર ખર્ચનો દર ૧૦ ટકાથી વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter