વિદેશી વિદ્યાર્થીઓને હવે કેનેડામાં અભ્યાસ મોંઘો પડશે

Tuesday 12th December 2023 11:27 EST
 
 

ટોરોન્ટો: કેનેડા જઈને અભ્યાસ કરવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડા સરકારે મોટો ઝાટકો આપ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે પહેલી જાન્યુઆરી 2024થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ રોજિંદા ખર્ચ માટેની નાણાકીય જરૂરિયાત પેટે વધુ રકમ બતાવવી પડશે. મતલબ કે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ દરમિયાન ત્યાં પોતાનો રહેવા-ખાવાનો ખર્ચ ઉપાડી શકવા સમર્થ છે તે સુનિશ્ચિત કરવા માટે બેન્કમાં જમા કરાવાતી રકમ કે જે જીઆઈસી (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) તરીકે ઓળખાય છે તે વર્તમાન 10,000 કેનેડિયન ડોલરથી બમણી કરીને 20,635 ડોલર કરી દેવાઈ છે.
ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જાહેરાત કરી હતી કે, કેનેડા સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ક્લાસ સેશન ચાલુ હોય ત્યારે ઓફ-કેમ્પસ વર્ક અવર્સ વધારીને પ્રતિ સપ્તાહ 30 કલાક કરવા વિચારી રહી છે. અમારો ડેટા સૂચવે છે કે 80 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સપ્તાહમાં 20 કલાકથી વધુ કામ કરે છે.
 વિદ્યાર્થીઓએ હાલ 10,000 કેનેડિયન ડોલરની વ્યવસ્થા કરવી પડતી હતી. જોકે નવા નિયમ હેઠળ હવે તમામ વિદ્યાર્થીઓએ 20,635 કેનેડિયન ડોલરની વ્યવસ્થા કરવી પડશે. વિદ્યાર્થીઓએ એ બતાવવું પડશે કે તેમની પાસે ટ્યુશન અને યાત્રા ખર્ચ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર (લગભગ 15,181 યુએસ ડોલર અથવા 12 લાખ 66 હજાર ભારતીય રૂપિયા) છે. લગભગ બે દાયકા બાદ આ વધારો કરવામાં આવ્યો છે.
આ નવા નિર્ણયથી ગુજરાત સહિત આખી દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે, કારણ કે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે ત્યાં રહેવા અને અભ્યાસ માટે પહેલા કરતા વધુ ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત મજબૂત આર્થિક સ્થિતિ પણ દેખાડવી પડશે.
 અન્ય દેશોની તુલનામાં કેનેડામાં શિક્ષણ વાજબી છે અને રહેવા-ખાવાનું પણ સસ્તું છે. કેનેડાની સૌથી મોટી યુનિવર્સિટીઓ અમેરિકા અને યુરોપની ટોપ યુનિવર્સિટીઓની તુલનામાં અડધી ફી લે છે. કેનેડામાં શિક્ષણનો ખર્ચ અભ્યાસક્રમ પર નિર્ભર કરે છે. આ રીતે વર્ષમાં રહેવાનો ખર્ચ લગભગ એક લાખ રૂપિયા થતો હતો. અહીંયા વિદ્યાર્થી અભ્યાસની સાથે-સાથે કામ પણ કરી શકે છે.
2022માં કેનેડામાં ભણવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત 3.19 લાખ વિદ્યાર્થીઓ સાથે ટોચ પર હતું. મિલરે જણાવ્યું હતું કે, કેનેડાનાં જીવનધોરણ ખર્ચ પ્રમાણે નાણાકીય જરૂરિયાત માટેની નિર્ધારિત રકમ અપૂરતી હતી તેથી તેમાં વધારો કરાયો છે. આ ફેરફાર 1 જાન્યુઆરી કે તે પછી મળનારી નવી સ્ટડી પરમિટ માટે લાગુ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter