જેક્સનવિલ (યુએસ): ભવિષ્યની ઉડ્ડયનોને નવો આકાર આપતું અનોખું પ્લેન રજૂ કરાયું છે, જેમાં વિન્ડોની જગ્યાએ ટીવી સ્ક્રીન છે. ‘ફેન્ટમ 3500’ નામનું આ જેટ ઓટો એરોસ્પેસ દ્વારા ડિઝાઇન કરાયું છે. કંપનીના મતે આ પ્લેન પરંપરાગત વિમાનોની તુલનામાં 60 ટકા ઓછું ફ્યુઅલ વાપરશે અને મુસાફરોને બહારનું દૃશ્ય રિયલ ટાઈમમાં બતાવશે. પ્લેનની કિંમત 14.5 મિલિયન પાઉન્ડ છે. તેની બોડી એકદમ સ્મૂધ હોવાથી હવાનું ઘર્ષણ ઓછું થતાં ફ્યુઅલની એફિશિયન્સી વધે છે. તેના બાહ્ય ભાગ પર હાઈટેક કેમેરા છે, જે બહારનું લાઇવ દૃશ્ય અંદર ટીવી સ્ક્રીન પર બતાવશે. બે મીટર ઊંચી કેબિનમાં 9 લોકો આરામથી પ્રવાસ કરી શકશે. કંપનીનું કહેવું છે કે તે બિઝનેસ અને પ્રાઇવેટ એવિએશનનો ખર્ચ ઘટાડવા, ફ્યુઅલની ખપત ઘટાડવા ઇચ્છે છે. ઓટો એરોસ્પેસના સીઇઓ પોલ ટોઉએ પેરિસ એર શોમાં જણાવ્યું કે કંપનીનું લક્ષ્ય 2030 સુધીમાં આ પ્લેનને સર્વિસમાં લાવવાનું છે. આ માટે અમેરિકાના જેક્સનવિલ સ્થિત સેસિલ એરપોર્ટ પર 3,757 કરોડ રૂપિયાના ખર્ચે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવામાં આવશે. ફ્લેક્સજેટ નામની પ્રાઈવેટ જેટ કંપનીએ પહેલાથી જ આ મોડેલના 300 યુનિટ્સનો ઓર્ડર આપી દીધો છે. આ ઉપરાંત, યુનાઇટેડ એરલાઇન્સે 200 નવા પ્લેન ખરીદવા માટે કરાર કર્યો છે.