વિશ્વના દેશોમાં ચલણ બદલીમાં EUના સફળ

Friday 18th November 2016 09:37 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ ઝાટકામાં દેશની કુલ કરન્સીમાંથી આશરે ૮૬ ટકા (૫૦૦-૧૦૦૦ની નોટો)ને ગેરકાયદેસર જાહેર કરી છે. જોકે, સમગ્ર વિશ્વમાં આવી પ્રક્રિયા થતી રહી છે, પરંતુ તેમાં ઇંગ્લેન્ડ અને યુરોપીયન યુનિયનને બાદ કરીએ તો બાકીના મોટા ભાગના દેશો નિષ્ફળ રહ્યા છે. ૧૯૭૧માં બ્રિટને રોમન કાળથી ચાલી રહેલા સિક્કાને હટાવવા માટે પાઉન્ડમાં દશાંશ પદ્ધતિ લાગુ કરી હતી. આ માટે ઇંગ્લેન્ડે તમામ બેંકોને ચાર દિવસનો સમય આપ્યો હતો. જેથી નવી કરન્સીને સંપૂર્ણ દેશમાં પહોંચતી કરી શકાય. એવું મનાય છે કે બ્રિટને સફળતાપૂર્વક પોતાની અર્થવ્યવસ્થામાંથી જૂના સિક્કાને બહાર કરી દીધા હતા અને કોઈ મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો ન હતો. તે પછી યુરોપના ૧૧ દેશોએ નવી યુરો કરન્સી લાગુ કરી હતી. જોકે, યુરોનો જન્મ ૧૯૯૯માં જ થઈ ગયો હતો અને આ દેશો ત્રણ વર્ષથી આ નવી કરન્સીને લીગલ ટેન્ડર જાહેર કરવાની તૈયારી કરી રહ્યા હતા તેથી યુરોપના આ દેશોમાં નવી કરન્સી સફળતાપૂર્વક લોન્ચ થઈ હતી. સોવિયત યુનિયને તેના આખરી દિવસોમાં રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે જાન્યુઆરી ૧૯૯૧માં ડિમોનેટાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. ગોર્બાચોવનો હેતુ અર્થવ્યવસ્થામાં બ્લેક મની બની ચૂકેલા રૂબલને બહાર કરવાનો હતો. આથી ૫૦ અને ૧૦૦ રૂબલની કરન્સી પ્રતિબંધિત કરી હતી. આ કરન્સી તેમની અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ હતો. આ સુધાર કાર્યક્રમથી સોવિયત યુનિયનમાં મોંઘવારી પર અંકુશ તો ન આવ્યો પણ ઊલટાનું ગોર્બાચોવ સરકાર ઝડપથી બિનલોકપ્રિય થઈ અને સોવિયત યુનિયનના ભાગલા પડ્યા હતા.

ઉત્તર કોરિયાના તત્કાલીન શાસક કિમ જોંગે પણ કાળાબજારિયા પર લગામ મૂકવા અને અર્થવ્યવસ્થાને કાબૂમાં લેવા માટે દેશની તમામ કરન્સીની વેલ્યૂમાંથી બે શૂન્ય હટાવી દીધા હતા. મતલબ કે ૧૦૦૦ અને ૫૦૦૦ રૂપિયા અનુક્રમે માત્ર ૧૦ અને ૫૦ થઈ ગયા હતા. દેશમાં ખાદ્ય કટોકટી સર્જાઈ હતી અને તાનાશાહને માફી માગવી પડી હતી. તેણે આવી સલાહ આપનાર નાણામંત્રીને ફાંસીએ ચડાવી દીધા હતા. મ્યાનમાર (બર્મા)માં ૧૯૮૭માં મોદીની જેમ જ ૮૦ ટકા કરન્સી ગેરકાયદેસર જાહેર કરી દેવાઈ હતી. વિદ્યાર્થીઓએ પહેલી વખત મિલિટરી શાસનની સામે વિરોધ શરૂ કર્યો હતો. આશરે એક વર્ષ ચાલેલા વિરોધમાં હજારો નાગરિક સેનાની ગોળીના શિકાર બન્યા હતા.

બીજી બાજુ એ પણ છે કે આ તમામ દેશોમાં નોટબંધી સંપૂર્ણ રીતે લાગુ પડાઈ હતી. ભારતમાં તો માત્ર રૂ. ૧૦૦૦ અને ૫૦૦ની નોટ બંધ થઈ છે. રૂ. ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ની નોટો ચલણમાં જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter