નવી દિલ્હી: યુએન દ્વારા સમગ્ર વિશ્વ માટે નવો નકશો જાહેર કરવામાં આવ્યો છે. ભારતે આ નકશાને સમર્થન આપ્યું છે સાથે જ એવી સ્પષ્ટતા કરી છે કે ભારતના સત્તાવાર નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ કરાયેલો છે તેમાં કોઇ જ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે યુએનની મહાસભામાં ભારતે આ નવા નકશાની તરફેણમાં મતદાન કર્યું છે. જોકે સાથે જ કહ્યું છે કે ભારતની અખંડતા સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ નહીં ચલાવી લેવાય. ભારતના જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના સત્તાવાર નકશા મુજબ વિશ્વના નકશામાં પણ જળવાઇ રહેવા જોઇએ. જો કોઇ પણ પ્રકારની છેડછાડ કરાઈ તો તેને નહીં ચલાવી લેવાય. ભારતની અખંડતા સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે તે અમારો અંતિમ નિર્ણય છે. જોકે ભારતે નવા વૈશ્વિક નકશાનું સ્વાગત કર્યું હતું સાથે જ કહ્યું હતું કે યુએનના પ્રસ્તાવમાં કોઇ પણ વિવાદીત સ્થાન કે સરહદોનો ઉલ્લેખ નથી.
અરુણાચલ પ્રદેશમાં ખેંચાઇ ‘ચીની રેખા’,
આસામની સીમા પરથી નાગાલેન્ડ ગાયબ!
નવા વિશ્વ નકશાથી એક વિવાદ પણ સામે આવ્યો છે. વાસ્તવમાં, આ નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ભારત અને ચીનના અલગ-અલગ દાવા-રેખાઓ સાથે દર્શાવાયા છે. જેમાં આસામ સાથે અરુણાચલની દક્ષિણી સીમાને ‘ચીની રેખા’ તરીકે દર્શાવવામાં આવી છે. જ્યારે નગાલેન્ડ સાથેની તેની સીમાને હટાવી દેવામાં આવી છે. બીજી તરફ, ચીનને તિબેટની સાથે તેની ઉત્તરની સીમાને ‘ભારતીય રેખા’ તરીકે દર્શાવવામાં આવી છે. આવું જ ચિત્રણ અક્સાઈ ચીનમાં પણ જોવા મળે છે. તેની પૂર્વીય સીમાને ‘ભારતીય રેખા’ અને લદ્દાખથી અલગ કરતી રેખાને ‘ચીની રેખા’ તરીકે દર્શાવવામાં આવી છે. વર્તમાનમાં આ ભારતીય ભાગ પર ચીનનો ગેરકાયદેસર કબ્જો છે. હાલમાં આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયનું કોઈ નિવેદન આવ્યું નથી.
એલઓસી દર્શાવવા નકશા પર ત્રુટક રેખા
નકશામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી)ને પણ અલગ રીતે દર્શાવવામાં આવી છે. આમાં એલઓસી દર્શાવવા માટે એક ત્રુટક રેખા ખેંચવામાં આવી છે. આ સાથે એક નોંધ પણ લખવામાં આવી છે, જેમાં લખ્યું છે કે આ રેખા જ LoCનું અનુમાનિત પ્રતિનિધિત્વ કરે છે.


