આજકાલ કોઈપણ રેસ્ટોરાંમાં જઈએ તો એક વાત નક્કી હોય છે ઓછાવત્તા અંશે ઘોંઘાટ જરૂર હોય. આ જ મુદ્દે જોઇએ તો ઈટલીની એક રેસ્ટોરાં તેની નિરવ શાંતિ માટે જાણીતી છે. પહાડીઓમાં હરિયાળી વનરાજી અને ઓલિવના વૃક્ષો વચ્ચે આવેલી રેસ્ટોરાં સોલો-પર-ડયુ ખરેખર અદભૂત છે. વિશ્વની સૌથી નાની રેસ્ટોરાંનું બહુમાન ધરાવતી આ રેસ્ટોરાંમાં એક સમયે ફક્ત બે વ્યક્તિને જ એન્ટ્રી આપવામાં આવે છે. 1989માં શરૂ કરવામાં આવેલી રેસ્ટોરાંને પ્રાચીન રોમન કવિ હોરેસના જૂના મકાનમાં તૈયાર કરવામાં આવી છે. આ રેસ્ટોરાંની ખાસ વાત એ છે કે, અહીં કોઈ ભીડ જ નથી. હોટેલમાં એકમાત્ર ટેબલ તમારા ડાઇનિંગ અનુભવને ખાસ બનાવે છે. ખુરશી પણ ગણવા પૂરતી બે અને આ સાથે જ સૌથી બેસ્ટ વાત અહીંની અનંત શાંતિ છે.
રોમના રાજમહેલ જેવી આ રેસ્ટોરાં વ્યક્તિને રોયલ ટ્રીટમેન્ટ આપે છે. રેડ કલરની દિવાલો, ચમકતા સિલ્વર સ્પૂન, ગોલ્ડન ટેબલકલોથ અને ફૂલોથી સુશોભિત કેન્ડલ્સ ડિનર ડેટને ખાસ બનાવે છે. આ રેસ્ટોરાંમાં ડિનરનો ખર્ચ આશરે 450 પાઉન્ડ થાય છે. જેમાં, તમને સારી સારી વાનગીઓ જ નહીં પરંતુ પ્રાઈવેટ અને રોમેન્ટિક અનુભવ મળે છે. કેન્ડલ લાઈટમાં બેઠક વ્યવસ્થા, હળવું મ્યુઝિક અને સ્પેશિયલ તિરામિસુ ડેઝર્ટ અનુભવને ખાસ બનાવે છે. અને હા, આ રેસ્ટોરાંના ગેસ્ટ મ્યુઝિક અને સજાવટમાં પોતાની મનમરજી પ્રમાણે ફેરફાર પણ કરાવી શકે છે, પરંતુ આ એકસ્ટ્રા ચાર્જીસ ચૂકવવો પડે છે.


