લંડનઃ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ગણાયેલી ફોતિમા મિર્ઝોકુલાવાનું ૧૨૭ વર્ષની વયે તાજિકીસ્તાનમાં નિધન થયું છે. તેમના પાસપોર્ટ અનુસાર તેમનો જન્મ ૧૩ માર્ચ, ૧૮૯૩ના દિવસે થયો હતો. તેમનો જીવનકાળ ઈમ્પિરિયલ અને સોવિયેટ રશિયાના સમયમાં વીત્યો હોવાનો દાવો કરાયો છે. તેમે પોતાનું જીવન દેશની ઉત્તરમાં કોમ્યુનલ કોટન ફાર્મમાં કામ કરવામાં ગાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સત્તાવારપણે જીન લૂઈ કાલમેન્ટ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ગણાવાય છે જેમનું મૃત્યુ ૧૨૨ વર્ષની વયે ૧૯૯૭માં ફ્રાન્સમાં થયું હતું.
૧૯મી સદીમાં જન્મેલી વિશ્વની આખરી મહિલા ગણાયેલી તાજિકીસ્તાનની ફોતિમા મિર્ઝોકુલાવાનું ૧૨૭ વર્ષની વયે મૃત્યુ થયું છે. તેમના પાસપોર્ટ અનુસાર ઝારના શાસન હેઠળના રશિયામાં ૧૩ માર્ચ, ૧૮૯૩ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેમણે સોવિયેત યુગ પણ નિહાળવા સાથે પોતાના વતન તાજિકીસ્તાનને ૧૯૯૧માં રશિયાથી સ્વતંત્ર થતા પણ જોયું હતું. મિસિસ મિર્ઝોકુલાવા પોતાની પાછળ આઠ બાળકો તેમજ ૨૦૦થી વધુ ગ્રાન્ડચિલ્ડ્રન અને તેમના પણ ગ્રાન્ડચિલ્ડ્રનનો વાડી-વસ્તાર મૂકતાં ગયાં છે.
તેમને શનિવાર ૨૫ જાન્યુઆરીએ દેશની ઉત્તરે અને ઉઝબેકિસ્તાનની સરહદ નજીક આવેલા ડાખાના ટાઉનમાં દફનાવાયાં હતાં. સ્થાનિક અહેવાલો મુજબ તેમણે સહકારી ખેત-કોલ્ખોઝમાં કામ કરવામાં જીવન વીતાવ્યું હતું અને નિવૃત્તિ પછી પણ કપાસ લણવાની કામગીરી ચાલુ રાખી હતી.
મિસિસ મિર્ઝોકુલાવાના જન્મના વર્ષે મિલાનમાં ગ્યુસિપે વેર્ડીના ‘Falstaff’નું પ્રીમિયર યોજાયું હતું, યુએસના ૨૪મા પ્રમુખ તરીકે ગ્રોવર ક્લીવલેન્ડ આવ્યા હતા અને ન્યૂ ઝીલેન્ડ મહિલાઓને મતાધિકાર આપનારો પ્રથમ દેશ બન્યો હતો.
વિશ્વની સત્તાવાર વયોવૃદ્ધ મહિલા ફ્રાન્સની જીન લૂઈ કાલમેન્ટ છે જેમનો જન્મ ફેબ્રુઆરી ૧૯૭૫માં અને મૃત્યુ ૧૨૨ વર્ષની વયે ઓગસ્ટ ૧૯૯૭માં થયું હતું. આજની તારીખે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત કરાયેલી જીવંત વયોવૃદ્ધ મહિલા જાપાનની કાને તનાકા છે જેમની વય ૧૧૭ વર્ષની મનાય છે, જેમનો જન્મદિન તાજેતરમાં જ ઉજવાયો હતો. વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ માસાઝો નોનાકાનું ગત વર્ષે જાન્યુઆરીમાં જાપાનના હોક્કાઈડો ટાપુના આશારો ખાતે ૧૧૩ વર્ષની વયે મૃત્યુ થયું હતું.


